Rajkot: શૌર્યનું સિંદૂર – લોકમેળો ૨૦૨૫ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોકમેળા સંદર્ભે મોકડ્રીલ યોજાઈ : આપાતકાલીન સ્થિતિમાં કામગીરી કરવા તમામ ટીમની સજ્જતા ચકાસવામાં આવી

તા.૧૩/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તા. ૧૩ ઓગસ્ટનાં રોજ બપોરના એકાદ વાગ્યાની આસપાસ “શૌર્યનું સિંદૂર-૨૦૨૫” લોકમેળામાં ઊંચા ફજર-ફાળકામાં સર્જાયેલી કોઈ ટેક્નિકલ ક્ષતિના કારણે એક વ્યક્તિ અંદાજે ૨૦ ફૂટ ઊંચે ફસાઈ ગયો હતો. તે “બચાવો-બચાવો”ની બૂમ પાડી રહ્યો હતો. તેનો અવાજ સાંભળીને એક જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યૂ માટે કોલ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ રેસ્ક્યૂ કોલ મળતાની સાથે જ ગણતરીની ક્ષણોમાં ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગના હાઈડ્રોલીક પ્લેટફોર્મના માધ્યમથી રાઇડમાં ફસાયેલા વ્યક્તિને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન બાજુની રાઇડ્સમાં લાગેલી આગ પર પણ કાબુ મેળવવામાં આવ્યો હતો. આ રાહત બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ, SDRF, હેલ્થ અને પોલીસ વિભાગના કર્મચારીઓએ ત્વરિત સંકલન સાધીને ફસાયેલી વ્યક્તિને બચાવી લીધો તથા એ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને અંતે મોકડ્રીલ જાહેર કરાતા સૌ ઉપસ્થિતોને હાશકારો થયો હતો.
આ સમગ્ર મોકડ્રીલનું આયોજન કલેક્ટરશ્રી ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમ, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં NDRF, SDRF, ફાયર, હેલ્થ અને પોલીસ સહિતનાં વિભાગોનાં કર્મચારીઓની સજાગતા અને કાર્યક્ષમતા ચકાસવામાં આવી હતી.







