‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ : CJI

ભારતના મુખ્ય જસ્ટીસ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટ કોલેજિયમ કોઈપણ સંજોગોમાં હાઈકોર્ટ કોલેજિયમને કોઈ ચોક્કસ નામની ભલામણ કરવાનું કહી શકે નહીં.’ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી.’
79મા સ્વતંત્રતા દિવસ પર્વ પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં CJI ગવઈએ કહ્યું હતું કે, ‘આખરે ત્યા સુધી કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ પણ હાઈકોર્ટ કોલેજિયમને નામોની ભલામણ કરવાનું કહી શકે નહીં, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટથી ઉપર નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય અદાલતો છે અને બંધારણીય યોજના અનુસાર એકબીજાથી ઉતરતી કક્ષાની કે ચડિયાતી નથી.’
આ 79મા સ્વતંત્રતા પ્રસંગે SCBA પ્રમુખ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને વિનંતી કરી કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલોને પણ હાઇકોર્ટમાં જજ પદ માટે ધ્યાનમાં લે, ભલે તેમણે ત્યાં પ્રેક્ટિસ ન કરી હોય. ત્યારે CJIએ કહ્યું કે, ‘ન્યાયાધીશોની નિમણૂક અંગેનો પહેલો નિર્ણય હાઇકોર્ટ કોલેજિયમે લેવાનો રહેશે.’
મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘અમે માત્ર નામોની ભલામણ કરીએ છીએ અને તેમને વિનંતી કરીએ છીએ કે, આ નામો પર વિચાર કરે, તેમજ જ્યારે તેઓ સંતુષ્ટ થાય કે ઉમેદવાર આ પદ માટે લાયક છે, ત્યાર બાદ જ નામો સુપ્રીમ કોર્ટમાં આવે છે.’
તેમણે કહ્યું કે, ‘જ્યારે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પદ સંભાળ્યું, ત્યારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ઉમેદવારો સાથે વાતચીત કરવાની પ્રથા શરૂ કરી હતી અને તે ‘ખરેખર મદદરૂપ’ સાબિત થઈ છે. ઉમેદવારો સાથે “10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક” વાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ જાણી શકે છે કે, તેઓ સમાજમાં યોગદાન આપવા માટે કેટલા યોગ્ય રહેશે.



