GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં વાહકજન્ય રોગો સામે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની સઘન ઝુંબેશ

તા.૨૩/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ

ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિતના રોગચાળા સામે અટકાયતી પગલાં : વ્યાપક સુરક્ષા અને સર્વેક્ષણ કામગીરી

અધૂરી સારવાર રોગ ફેલાવી શકે છે: મેલેરિયાના દર્દીઓને પૂર્ણ સારવાર લેવા આરોગ્ય વિભાગની સલાહ

નિદાનના ૨૪ કલાકમાં આરોગ્ય ટીમ સ્થળ પર: દર્દીની કાળજી સાથે આસપાસના ઘરોમાં પોરાનાશક દવાનો છંટકાવ

Rajkot: ચોમાસામાં વાહકજન્ય રોગોના સંભવિત જોખમને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા જિલ્લામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગોના અટકાયતી પગલાંરૂપે સર્વેક્ષણ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ની સરખામણીએ જુલાઈ ૨૦૨૬ સુધી મેલેરિયાના કેસમાં ૬૦ ટકા અને ડેન્ગ્યુના કેસમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન ૨ લાખથી વધુ લોકોના લોહીની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ૯ લોકોમાં મેલેરિયાના લક્ષણો જોવા મળતાં, તમામ દર્દીઓને સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે.

દર્દીને ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાનું નિદાન થયાના ૨૪ કલાકમાં જ આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દર્દીની માહિતી મેળવી સારવાર શરૂ કરે છે. સાથોસાથ દર્દીના ઘર અને આજુબાજુના મકાનોનો સર્વે કરી મચ્છર નિયંત્રણના પગલાં લેવામાં આવે છે તેમજ પોરાનાશક અને પુખ્ત મચ્છરનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.

રોગચાળા નિયંત્રણના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અટકાયત કામગીરી હેઠળ ૪,૫૧૫ વસ્તી ધરાવતા ૧,૦૭૭ ઘરોને આવરી લેવાયા હતા. જેમાં તપાસવામાં આવેલા ૫,૨૪૨ પાત્રોમાંથી ૨,૦૩૧ પાત્રોમાં એબેટ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને ૧૦૬ જગ્યાએ મચ્છર ઉત્પત્તિના સ્થાનોનો નિકાલ કરાયો હતો. તેવી જ રીતે ચિકનગુનિયા માટે ૩૭૦ ઘરોમાં ૧,૫૬૨ પાત્રો તપાસી ૬૫૫ પાત્રોમાં એબેટ ટ્રીટમેન્ટ અપાઈ હતી. જ્યારે મેલેરિયા કામગીરી હેઠળ ૧૮૮ ઘરોના ૧,૦૧૩ પાત્રોમાંથી ૬૪૩ પાત્રોમાં પોરાનાશક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની મેલેરિયા શાખા દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ‘નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ’ હેઠળ પ્રથમ રાઉન્ડમાં જંતુનાશક દવાના છંટકાવની કામગીરી ૧૬ મે ૨૦૨૬ થી ૨૮ મે ૨૦૨૬ દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. જિલ્લા પંચાયત મેલેરિયા અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર, બીજો રાઉન્ડ ૧ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ થશે, જેમાં તમામ નાગરિકોને સહકાર આપવા અનુરોધ છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટ ફાળવી પોતાના ઘરમાં અથવા આસપાસ રહેલા ખુલ્લા પાણીના પાત્રો ખાલી કરી સાફ કરવા. ટાંકી, કુંડા, કૂલર કે જૂના ટાયરોમાં પાણી એકઠું થવા ન દેવું અને તાવ કે શરદી જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતના રોગોમાં દર્દીઓ પૂરી સારવાર કરાવે જેથી રોગોનો ફેલાવો અટકાવી શકાય.

Back to top button
error: Content is protected !!