Rajkot: રાજકોટમાં ‘નશામુકત ભારત’ અભિયાન અંતર્ગત શાંતિનિકેતન કોલેજ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો

તા.૨૩/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
તણાવમાં પરિવારજનો, મિત્રો કે શિક્ષકોની મદદ લો, ડ્રગ્સનો સહારો નહીંઃ ડી.સી.પી. શ્રી બાંગરવા
Rajkot: નશામુકત ભારત અભિયાન અંતર્ગત રાજકોટમાં શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે આજે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા સહિત અધિકારીશ્રીઓએ ડ્રગ્સ સહિત નશાકારક પદાર્થોની ગંભીરતાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા.
આ તકે ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, નશાથી વ્યક્તિ,પરિવાર, સમાજ અને દેશ બરબાદ થાય છે. આ તકે તેમણે વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વિદ્યાર્થી શૈક્ષણિક, સામાજિક કે અન્ય કોઈ કારણોસર તણાવ અનુભવે ત્યારે પરિવારજનો, મિત્રો અથવા શિક્ષકોનું માર્ગદર્શન લેવું જોઈએ. ઘણેઅંશે તણાવ પણ નશાનું એક કારણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત નશાકારક પદાર્થનું વેચાણ કરવા બદલ ૧૦ વર્ષથી ૨૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ, સરકાર દ્વારા કાર્યરત નશામુક્ત કેન્દ્રો વિશે તેમણે જાણકારી આપી હતી.તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, તમારી આસપાસ ક્યાંય નશાકારક પદાર્થનું વેચાણ થતું હોય તો ૧૯૩૩ અથવા ૧૧૨ હેલ્પલાઇનનો સંપર્ક કરવો.
સમાજ સુરક્ષા કચેરીમાંથી ઉપસ્થિત ચીફ ઓફિસર શ્રી ડો. મિલન પંડિતે નશાથી પરિવાર અને સમાજમાં આવતા ગંભીર પરિણામો વિશે વિસ્તારથી વાત કરી વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધ તથા બાળ મજૂરી પર વિદ્યાર્થીઓને ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી હતી.એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પી.એસ.આઈ શ્રી.એસ.ડી.ભટ્ટએ વિદ્યાર્થીઓને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વિશે જાણકારી આપી હતી. વિશેષમાં વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોના સેવનથી થતા નુકસાન અને નશાકારક પદાર્થોના વેચાણ માટે સજા અંગે વિગતે વાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તમામ પ્રકારના નશાથી દૂર રહી શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધી પરિવાર અને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી.
ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮/૧૧૨ નાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર શ્રી દેવાંશી ટાંકે વિદ્યાર્થીઓને બાળ અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે સેમિનારમાં ઉપસ્થિત સૌએ નશામુક્ત ભારતનાં શપથ લીધા હતા.
કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. મહેશભાઈ ગોગરાએ મહેમાનોને આવકારી વિદ્યાર્થીઓને નશા અને વ્યસનથી દૂર રહેવા સચેત કર્યા હતાં. કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા “ડ્રગ એડિક્ટેડ થીમ” આધારિત કૃતિ રજૂ કરાઈ હતી. આ સેમિનારમાં શ્રી શાંતિનિકેતન કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ચંદ્રેશભાઇ સાકરીયા, ટ્રસ્ટી શ્રી નિતિનભાઈ પાંચાણી, નશાબંધી નિયોજક શ્રી શાંતિલાલ ચાનપુરા, પી.એસ.આઇ શ્રી.વી.વી.ધ્રાંગુ સહિત કોલેજના સ્ટાફ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


