
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા સાકરપાતળ બ્રિજ પરથી સ્લીપર અને વોલ્વો બસો સિવાયની તમામ એસટી બસોની અવરજવર ફરી શરૂ કરવામાં આવી છે.લાંબા સમયથી બંધ રહેલા આ માર્ગ પર બસ સેવાઓ ફરી ચાલુ થતા મુસાફરો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ મોટી રાહત અનુભવી છે.થોડા સમય પહેલા ડાંગ જિલ્લા રાજ્ય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને સાકરપાતળ બ્રિજ પર સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ કામગીરી દરમિયાન, સુરક્ષાના કારણોસર 3 મીટરથી ઊંચા વાહનો જેવા કે મોટી એસટી બસો, મિની બસો અને ખાનગી લક્ઝરી બસોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.આ બ્રિજની બંને બાજુએ 3 મીટરની ઊંચાઈ ધરાવતા લોખંડના ડબલ ગેટ (ગેન્ટ્રી) પણ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ભારે વાહનોનું પસાર થવુ અશક્ય બન્યુ હતુ.આ નિર્ણયથી સાપુતારાથી વઘઈ તરફ જતા મુસાફરોને ભારે અગવડતા પડતી હતી અને તેમને એસટી બસની સેવાઓ મળતી નહોતી.ખાસ કરીને સામાન્ય જનતા અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓની, મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. સાકરપાતળ બ્રિજ પરથી સ્લીપર અને વોલ્વો બસ સિવાયની અન્ય બસો પસાર થઈ શકે તે માટે ગેન્ટ્રી ગેટની ઊંચાઈ વધારવામાં આવી છે.આ ફેરફાર બાદ હવે નિયમિત એસટી બસો આ બ્રિજ પરથી સરળતાથી પસાર થઈ શકશે.આના પરિણામે વઘઈ,વાંસદા,ચીખલી અને તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા લોકોને હવે બસ સેવાઓ ફરી મળતી થઈ છે અને તેમની લાંબા સમયથી ચાલતી મુશ્કેલીનો અંત આવ્યો છે.જોકે, એ નોંધવું જરૂરી છે કે સાકરપાતળ બ્રિજ પરથી હાલમાં માત્ર એસટી બસોને જ મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે.બ્રિજ પરથી અન્ય ભારે વાહનોની અવરજવર પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત હોવાનું જાણવા મળ્યુ છે. તંત્ર દ્વારા આ નિર્ણય બ્રિજની સલામતી અને સમારકામની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે,જેથી વાહનવ્યવહાર સુરક્ષિત રહે અને કોઈ અકસ્માત ન થાય. મુસાફરો અને સ્થાનિક લોકો આ પગલાને આવકારી રહ્યા છે અને તેમને આશા છે કે બ્રિજનું સમારકામ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમામ પ્રકારના વાહનોની અવરજવર ફરી પહેલાની જેમ સામાન્ય બની જશે..





