AHAVADANG

ડાંગ જિલ્લામાં મેઘાનો તાંડવ યથાવત: કોઝવે ૧૭ જેટલા પાણીમાં ગરકાવ થતાં ૩૦થી ગામો સંર્પક વિહોણા બન્યા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં મેઘાનો તાંડવ યથાવત:-વઘઇ અને સુબિર તાલુકાનાં ૧૭ જેટલા નીચાણવાળા કોઝવે ઊંડા પાણીમાં ગરક થઈ જતા ૩૦થી વધુ ગામો સંપર્ક વિહોણા..

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે.જેના કારણે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે.ડાંગ જિલ્લામાં અવિરત વરસાદનાં પગલે જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે અંબિકા,ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ નદીઓ ગાંડીતૂર બની છે અને રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.આ નદીઓનાં પ્રવાહમાં વધારો થતા અંતરીયાળ જનજીવન ભારે પ્રભાવિત થયુ છે.વરસાદની મોસમમાં ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે.તેવામાં વઘઈનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધ હાલ તેના ભવ્ય અને વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે.આ બન્ને ધોધનું પાણી ધસમસતા પ્રવાહ સાથે નીચે પડી રહ્યું છે, જે કુદરતની શક્તિનો અનોખો અનુભવ કરાવે છે.આ દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે,સાથે જ જિલ્લાનાં નાનકડા ધોધ પણ ભારે પ્રવાહથી ઉભરાયા હતા.ભારે વરસાદને કારણે વઘઈ અને સુબિર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અંબિકા, ગીરા,અને પૂર્ણા નદીઓને જોડતા 17 જેટલા કોઝવે-કમ-પુલો કલાકો સુધી ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.જેના પગલે 30થી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથક સાથેનો સંપર્ક ગુમાવી બેઠા હતા.સાથે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને લોકોની અવરજવર અટકી જવા પામી હતી.આ ગામડાઓનાં જનજીવનની સાથે સાથે પશુપાલન પર પણ ગંભીર અસર પડી છે.ખેતરો અને પશુઓના રહેઠાણના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પશુધનને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જયારે વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ગાઢ ઘુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક ભાસી ઉઠ્યુ હતુ. સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ગાઢ ઘુમ્મસીયા વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓએ મઝા માણી હતી.ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ઘુમ્મસીયા વાતાવરણનાં પગલે ઝીરો વિઝીબીલીટી થઈ જતા પ્રવાસી વાહનચાલકોને વાહનોની સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ભારે વરસાદનાં પગલે જિલ્લા કલેકટર શાલિની દુહાન દ્વારા દરેક વિસ્તારની  પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી મદદ પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અને અન્ય જરૂરી સાવચેતીનાં પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે..બોક્ષ:-(1)ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે વઘઇ અને સુબિર તાલુકાનાં નીચાણવાળા 17 જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 30 થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ.ભારે વરસાદમાં ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં (1)ખાતળ ફાટક ટૂ ઘોડી રોડ,(2)માછળી ચીખલા દિવડ્યાઆવન રોડ,(3)ઘોડવહળ વી.એ રોડ,(4)મોટીદાબદર લહાન દાબદર નાનાપાડા રોડ,(5)ગોદડીયા ટુ પાંડરમાળ રોડ,(6)નીચલાફળીયા કોયલીપાડા રોડ,(7)દોડીપાડા બરડા રોડ,(8)ડુંગરડા વી.એ.રોડ,(9)બાજ મેઈન રોડ ટુ મલિન રોડ,(10)આંબાપાડા ચીંચપાડા ઉગા રોડ,(11)બાજ વીએ રોડ,(12)ભેસકાતરી આસરીયા રોડ,(13)કાકડવિહીર ખેરીન્દ્રા ચમારપાડા રોડ,(14)વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ,(15)આહેરડી બોરદહાડ રોડ,(16)ધાંગડી કાનત ફળિયા રોડ(17)વાંઝટઆંબા કોયલીપાડા રોડ જે માર્ગો કોઝવે ઓવરટોપિક તથા ડ્રેનેજ થવાનાં પગલે અવરોધાયા હતા.જેથી જનજીવનને આ માર્ગો સિવાયનાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકોમાં 60 મિમી અર્થાત 2.4 ઈંચ, સુબિર પંથકમાં 61 મિમી અર્થાત 1.44 ઇંચ,આહવા પંથકમાં 83 મિમી અર્થાત 3.32 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 121 મિમી અર્થાત 4.84 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!