ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી: ગુજરાત અને ભરૂચ જિલ્લાના નામચીન બુટલેગર નયન કાયસ્થનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
માહિતી મુજબ, ભરૂચ જિલ્લામાં હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની સીધા માર્ગદર્શન હેઠળ નયન કાયસ્થ સામે ગુંડા એક્ટ-2025 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. સવારે બૌડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. સ્થળ પર કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કામગીરી દરમિયાન તંત્રના પગલાંને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી. સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે.




