GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિકાસ સપ્તાહ વિશેષ જસદણની શ્રી વડોદ પ્રાથમિક શાળાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ

તા.15/10/2025

વાત્સલયમ્ સમાચાર

જિતેન્દ્ર નિમાવત

શાળાકીય અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ બદલ ભારત સરકારનાં ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો શાળા સ્વચ્છતા પુરસ્કાર મળ્યો

સ્વચ્છતા અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓમાં શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાતા ગામની સુંદરતામાં વધારો થયો છે : આચાર્યશ્રી ગિરીશભાઈ

શ્રી ગીરીશભાઈની પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા મેળવી ગ્રામજનો પણ સ્વચ્છતાગ્રહી બન્યા

શાળાનાં વિદ્યાર્થીઓને ક્રિએટિવ બનાવવા સર્વાંગી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે

Rajkot: જસદણની શ્રી વડોદ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ બાવળીયા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો માટે પ્રેરણારૂપ બન્યા છે. આચાર્ય શ્રી ગિરીશભાઈએ શાળાના મેદાનથી શરૂ કરેલી શ્રમદાનની પ્રવૃત્તિ શાળા અને ગામનું પાદર પાર કરી ગામેગામ પહોંચી છે. તેમની શાળાકીય અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ બદલ ભારત સરકારનાં ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય લેવલનો શાળા સ્વચ્છતા પુરસ્કાર – ૨૦૨૫ એનાયત કરાયો છે. શ્રી ગિરીશભાઈએ શાળાકીય અને પર્યાવરણને લગતી ક્રાંતિને સોશિયલ મીડિયાથી અન્ય શાળા, શિક્ષકો સહિત જનમાનસ સુધી પહોંચાડી છે. ઉલ્લેખનીય છે કે, આચાર્ય શ્રી ગિરીશભાઈની જહેમતના કારણે જસદણની શ્રી વડોદ પ્રાથમિક શાળાને વિકાસ સપ્તાહ અન્વયે તાજેતરમાં જ રાજકોટ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્વચ્છતા માટે રાજ્યભરમાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળવા મળ્યો છે, ત્યારે શ્રી ગિરીશભાઈએ ગુજરાત સરકારનો આભાર માનીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

શ્રી વડોદ પ્રાથમિક શાળામાં શ્રી ગિરીશભાઈ બાવળીયા ૨૦૧૮થી આચાર્ય પદે છે. આ અગાઉ ૨૧ વર્ષ શિક્ષક તરીકે શ્રી ગિરીશભાઈ ફરજ બજાવી ચૂક્યા છે. દરરોજ સવારે શાળામાં એક કલાક વ્હેલા પહોંચી શાળા અને મેદાનની શ્રી ગિરીશભાઈ સફાઈ કરતા હતા. હવે આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો પણ જોડાયા છે. શ્રી ગીરીશભાઈની પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા મેળવી ગ્રામજનો પણ સ્વચ્છતાગ્રહી બન્યા છે.

સ્વચ્છતા અભિયાનમાં દેશના દરેક નાગરિક જોડાય, જનજન આ અભિયાનને એક ઝુંબેશના ભાગરૂપે સ્વીકારે, તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ સૌ આ અભિયાનમાં જોડાઈ રહ્યાં છે. સરકારના સ્વચ્છતા અભિયાનમાંથી પ્રેરણા મેળવીને આચાર્ય શ્રી ગિરીશભાઈ પોતાની આ પ્રવૃત્તિઓને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી લઈ ગયા છે. તેના કારણે શિક્ષકો તેમજ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યેની પ્રેરણા મળી રહી છે.

આ અંગે ગિરીશભાઈ કહે છે કે, “સ્વચ્છતા અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓમાં શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાતા ગામની સુંદરતામાં વધારો થયો છે.” શ્રી ગિરીશભાઈ તેમજ સમગ્ર ટીમે શાળા મેદાનમાં ૪૦૦ જેટલા વૃક્ષો રોપીને તેનો ઉછેર કર્યો છે. શ્રી ગિરીશભાઈ શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થીઓને ઔષધીઓનું જ્ઞાન, પર્યાવરણને લગતી પ્રવૃત્તિ, ઇકો ક્લબની પ્રવૃત્તિ કરાવી કિચન ગાર્ડન, વેસ્ટમાંથી બેસ્ટ સહિત કૌશલ્યલક્ષી પ્રવૃત્તિથી બાળકોને ખરા અર્થમાં સર્વાંગી શિક્ષણ પૂરું પાડે છે.

શ્રી ગિરીશભાઈ સહિત શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ સાથે મળીને એક પેડ મા કે નામ અભિયાનને સો ટકા સાર્થક કરી ગામમાં ૧ હજાર જેટલા લીમડા રોપ્યા છે. આ ઉપરાંત, દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે ૫૦૦ સીડ બોલ બનાવી ગૌચર અને ખરાબાની જમીનમાં બોલ રોપવામાં આવે છે, જે ધીમે ધીમે વિકસીને વૃક્ષ બને છે. શ્રી ગિરીશભાઈ શાળામાં બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિઓ પણ કરાવે છે. વેસ્ટ પાઇપમાંથી ૨૫ ફૂટ ઊંચું મિસાઈલ મોડલ, સૌરમંડળ, ટેલિસ્કોપ, રોબોટ, એરક્રાફ્ટ સહિત વૈજ્ઞાનિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. વધુમાં, કારના નકામા ટાયરમાંથી પક્ષીઓ, પ્રાણીઓ, કાર્ટૂન વગેરે બનાવીને શાળાનાં વિદ્યાર્થીઓને ક્રિએટિવ બનાવવા સર્વાંગી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!