
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત કચેરીમાં મહાત્મા ગાંધી નરેગા યોજના (મનરેગા)ના કામો માટે વહીવટી મંજૂરી આપવાના અવેજમાં લાંચ માંગવામાં આવતા, ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવી ગ્રામ રોજગાર સેવક અને તેના પતિને રૂ.૩૨,૮૦૦ની લાંચ સાથે ઝડપી પાડ્યા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACBએ આ સફળ ટ્રેપનું આયોજન કર્યું હતું.ફરિયાદી, જે એક જાગૃત નાગરિક છે, તેમણે તેમના ગામના ચાર અરજદારોના મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલિંગના કામકાજ માટેની ફાઈલો તૈયાર કરી હતી આ ફાઈલોની વહીવટી મંજૂરી મેળવવા માટે ફરિયાદીએ સુબીર તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખામાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન W/O હેમંતભાઈ પટેલ (ઉ.વ. ૪૭) (કરાર આધારિત)નો સંપર્ક કર્યો હતો. અનુસુયાબેને આ વહીવટી મંજૂરીની કાર્યવાહી કરી આપવાના બદલામાં દરેક અરજદાર દીઠ રૂ. ૮,૨૦૦/- લેખે ચાર અરજદારોના મળીને કુલ રૂ. ૩૨,૮૦૦/- ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર બાબતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, ગુરુવાર, તા. ૦૪/૧૨/૨૦૨૫ ના રોજ ACBએ લાંચનું છટકું ગોઠવ્યુ હતું.છટકા દરમિયાન, ફરિયાદી લાંચની રકમ આપવા માટે આરોપી અનુસુયાબેનને મળ્યા હતા. હેતુલક્ષી વાતચીત બાદ, આરોપી અનુસુયાબેને લાંચની રકમ રૂ. ૩૨,૮૦૦/- પોતાના પતિ અને બીજા આરોપી હેમંતભાઈ વિનુભાઈ પટેલ (ઉ.વ. ૪૦) (પ્રજાજન/ખેતી)ને આપવા માટે ફરિયાદીને જણાવ્યું હતુ.સુબીર તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલ વિપુલભાઈ ગામીતની દુકાન પાસે હેમંતભાઈ પટેલે ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરેલ રકમ રૂ. ૩૨,૮૦૦/- સ્વીકારી લીધી હતી.લાંચની રકમ સ્વીકારાતા જ ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બંને આરોપીઓ – ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન પટેલ અને તેમના પતિ હેમંતભાઈ પટેલને – રૂ. ૩૨,૮૦૦/- ની રીકવર કરેલ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડાંગ જિલ્લામાં સરકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ લેવાના આ કિસ્સાથી સરકારી કચેરીઓમાં હડકંપ મચી ગયો છે.





