ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભયાનક હિંસા, ગામ આગને હવાલે

ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભયાનક હિંસા ફાટી નીકળતાં MV-26 ગામમાં ભય અને તણાવનો માહોલ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ MV-26 ગામમાં પ્રવેશ કરીને 100થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં લૂંટફાટ અને હિંસક મારામારીની ઘટનાઓ પણ બની હતી.
અહેવાલો અનુસાર, આ હિંસાનું મૂળ કારણ રાખલગુડા ગામની 51 વર્ષીય આદિવાસી મહિલા લેક પદિયામીની હત્યા છે. લેક પદિયામી ત્રીજી ડિસેમ્બરથી ગુમ હતી અને ચોથી ડિસેમ્બરે દુદામેટ્ટા નદીના કિનારે તેનું માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોને શંકા હતી કે લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને કારણે મહિલાની હત્યા કરવામાં આવી છે. હત્યાથી રોષે ભરાયેલા મોટી સંખ્યામાં લોકો હથિયારો સાથે MV-26 ગામમાં ઘૂસી ગયા અને લૂંટફાટ મચાવી આગ ચાંપી દીધી.
હિંસા ફાટી નીકળતાની સાથે જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. હુમલાને કારણે લગભગ એક હજાર લોકો રાતોરાત પોતાનું ગામ છોડીને ભાગી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે તાત્કાલિક કર્ફ્યુ લાદી દીધો છે અને 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી તહેનાત કરવામાં આવી છે.
પોલીસ અધિક્ષક વિનોદ પાટીલે જણાવ્યું કે, ‘હત્યાના બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.’ ડીજીપી વાય.બી. ખુરાનિયાએ માઓવાદીઓ પરિસ્થિતિનો લાભ ન લે તે માટે વ્યક્તિગત રીતે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર સોમેશ ઉપાધ્યાયે મંગળવારે બંને પક્ષના લોકોની શાંતિ સમિતિની બેઠક બોલાવવાની જાહેરાત કરી છે.
આ ગંભીર મુદ્દો ઓડિશા વિધાનસભા સુધી પહોંચ્યો હતો. સત્તાધારી બીજુ જનતા દળના ધારાસભ્ય પ્રતાપ કેશરી દેબે ભાજપ સરકાર પર જમીન વિવાદનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય ટંકધર ત્રિપાઠીએ કહ્યું હતું કે વર્તમાન સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે, જે પાછલી સરકારોએ નહોતા લીધા.



