
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ આધારિત ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નું રીબીન કાપીને પ્રારંભ કરાવતા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓનું સન્માન તેમજ મહિલાઓના ઉત્થાનને પ્રાધાન્ય આપીને અમલીકૃત અનેક જનકલ્યાણકારી યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. જેના થકી મહિલાઓને માન સન્માન મળ્યું છે.
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા શ્રી વિજયભાઈ પટેલે સખીમંડળની બહેનોને પ્રાકૃતિક પેદાશોનું બ્રાન્ડિંગ કરવા સાથે મધ જેવી ચીજવસ્તુઓમાં ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા અને સમય સાથે અપડેટ રહેવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે બહેનોને ટીમમાં રહી કાર્ય કરવા, સંગઠિત બની રહેવા અપીલ કરી હતી.વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં મોટાભાગે મહિલાઓ સંચાલિત દૂધ મંડળીઓ આવેલી છે, જેનાથી મહિલાઓ હવે પશુપાલન વ્યવસાય થકી આર્થિક રીતના પગભર થઈ છે. આ સાથે જ આ તકે મહિલાઓને પ્રોત્સાહિત કરી ડાંગની પ્રાકૃતિક પેદાશો અપનાવવા સાથે, સ્વદેશી ખોરાકનો જ ઉપયોગ કરવા તમામને આહવાન કર્યું હતું.
સરકાર સશક્ત નારી મેળાઓ યોજી મહિલાઓનું યોગદાનને પ્રદર્શન કરવા સાથે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખુબ પ્રયત્નશીલ છે તેમજ નારી શક્તિને મજબૂત બનાવવા આ મેળાઓ ખુબ જ જરૂરી છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને આ પ્રસંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શરૂ કરેલ મહિલાઓને આર્થિક પગભર કરવા માટે આ મેળાઓ ખુબ જ જરૂરી છે. સ્વ સહાય જૂથો થી મહિલાઓની ઓળખ સ્થાપિત થાય છે. તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મિશન મંગલમ યોજના અંતર્ગત જિલ્લામાં ૪૨૮૨ જેટલા સ્વ સહાય જૂથોની રચના થયેલ છે. સ્વ સહાય જૂથોનો વિકાસ થાય, બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી મારફતે A અને B ગ્રેડ ધરાવતા જુથને ૩૦ હજાર અને C ગ્રેડ ધરાવતા જુથને ૨૦ હજારનું ફરતું ભંડોળ રીવોલ્વીંગ ફંડ સહાય રૂપે આપવામાં આવેલ છે. અત્યાર સુધી ૨૭૪૧ સ્વ સહાય જૂથોને રૂ.૪૪૮.૫૮ લાખ રીવોલ્વીંગ ફંડ તરીકે આપવામાં આવેલ છે.મિશન મંગલમ યોજના અંતર્ગત અત્યાર સુધી ૨૬૪ ગ્રામ સંગઠન(VO)ની રચના કરવામાં આવેલ છે. ૧૭૫૦ સ્વ સહાય જૂથોને રૂ.૧૫૬૭.૫૦ લાખ CIF ફંડ તરીકે આપવામાં આવેલ છે.
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ – ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે લખપતી દીદીઓને સન્માનિત કરવામાં આવી હતી.
તા. ૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળામાં ડાંગ જિલ્લાની કુલ ૬૦ જેટલી વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા, ખાદ્ય ચીજવસ્તુઓ અને પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો, પરંપરાગત આભૂષણો અને ગૃહ સુશોભનની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહિત જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શિવાજી તબીયાર, ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા કચેરી શ્રી આઈ. એસ.સેયદ, જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.





