GUJARAT

નસવાડીમાં જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત, બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

મુકેશ પરમાર,, નસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાને અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું હતું. યાત્રા નસવાડી નગરમાં પ્રવેશતા પહેલા જ કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં યુવાનો, ખેડૂતો, મજૂરો સહિત વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર તાલુકામાં રાજકીય ચહલપહલ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.જન આક્રોશ યાત્રા નસવાડી પહોંચતા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફૂલહાર, ધ્વજ અને નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન લોકો હાથમાં કોંગ્રેસના ધ્વજ અને સરકાર વિરોધી બેનરો લઈને જોડાતા રહ્યા હતા. માર્ગની બન્ને બાજુએ ઉભેલા લોકો યાત્રાને સમર્થન આપતા નજરે પડ્યા હતા, જેના કારણે શહેરમાં ઉત્સાહ અને ઉલ્લાસનું દૃશ્ય સર્જાયું હતું.કોંગ્રેસના નેતાઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જન આક્રોશ યાત્રા જનતાના પ્રશ્નો, દુઃખદર્દ અને સરકાર સામેની નારાજગીનો અવાજ છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, આદિવાસી વિસ્તારોના વિકાસમાં અવગણના સહિત અનેક મુદ્દાઓને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં જનતા સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો અને તેમની સમસ્યાઓ સાંભળી યોગ્ય રીતે રજૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી.નસવાડી ખાતે યોજાયેલી આ જન આક્રોશ યાત્રા અને બાઇક રેલીને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાહટ વધી ગઈ છે. મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આવનારા સમયમાં નસવાડી અને છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

Back to top button
error: Content is protected !!