સાપુતારા પોલીસે આંતરરાજ્ય ઘર ફોડ ચોરી કરનાર ત્રણ આરોપીઓને દબોચી લઈ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારા પોલીસની ટીમે વ્યૂહાત્મક રીતે આંતરરાજ્ય ઘરફોડ કરનાર આરોપીઓને ઝડપી પાડયા..સાપુતારા 28-12-2025 ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર અને રીઢા ગુનાહિત ઈતિહાસ ધરાવતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.તેમજ સાપુતારા પોલીસે 20 લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.૩૧મી ડિસેમ્બરનાં આગામી તહેવારોને ધ્યાને રાખીને ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાની ટીમ સાપુતારા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા ગાડી (નંબર GJ-20-CB-2646) ને રોકી તપાસ કરતા, તેમાંથી લોખંડની કોશ (ગણેશીયુ) મળી આવ્યુ હતુ.જેથી સાપુતારા પોલીસની ટીમને શંકા જતા ગાડીનાં ચાલકને ગાડી સાઈડમાં ઉભી રાખવા જણાવ્યુ હતુ.પરંતુ ગાડીનો ચાલક ગાડી ભગાડી ગયો હતો, પરંતુ સાપુતારા પોલીસની ટીમે તુરંત જ પીછો કરીને ગાડી સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા,જ્યારે અન્ય બે આરોપીઓ જંગલનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.સાપુતારા પોલીસની ટીમે અનિલભાઇ રેવાભાઇ ભાભોર (ઉ.વ. ૨૭, રહે. ગરબાડા, દાહોદ), વકીલ તેરસિંગ ભાભોર (ઉ.વ. ૩૨, રહે. ગરબાડા, દાહોદ), મિથુનભાઇ મનુભાઇ ભાભોર (રહે. ગરબાડા, દાહોદ)ને ઝડપી પડ્યા હતા.જ્યારે કમલેશભાઇ દિપાભાઇ ભાભોર અને કાંતી તેરસીંગ ભાભોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ તમામ આરોપીઓ અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે.પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓએ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ ખાતે આવેલી ‘યસવંતનગર બી.એસ. કન્સટ્રકશન’ ઓફિસમાં ચોરી કરી હતી. આ અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલો છે.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૨૦,૩૬,૬૮૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં પોલીસે રોકડ રકમ રૂ. ૫,૧૩,૧૮૦/- હ્યુન્ડાઇ ક્રેટા ગાડી જેની કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ચાંદીની બે ચેન અને સાંકળા જેની કિંમત રૂ. ૧૦,૦૦૦/- તથા ત્રણ મોબાઈલ ફોન,ચોરીમાં વપરાતા સાધનો (કોશ, પકડ, બુકાની અને માસ્ક) વગેરે સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.આ પ્રશંસનીય કામગીરી સાપુતારા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી. ગોંડલીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.હાલમાં સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર પોલીસ વિભાગ સાથે સંકલન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.



