વોટ લેતી વખતે ‘મા-બાપ’ અને જીત્યા પછી ‘કોણ તમે?’:

સત્તાના નશામાં જનતાને ભૂલી ગયેલા નેતાઓની કડવી વાસ્તવિકતા
લોકશાહીની સૌથી મોટી વિડંબના એ છે કે ચૂંટણી પહેલા જે નેતાઓ મતદારોના પગ પકડતા પણ અચકાતા નથી તે જ નેતાઓ સત્તાની ખુરશી પર બેસતાની સાથે જ સાહેબ બની જાય છે. આજે રાજનીતિમાં એક જ વલણ જોવા મળે છે – “વોટ મળી ગયો, હવે જનતાની કોઈ જરૂર નથી.”
એક સામાન્ય માણસ જ્યારે પોતાની પાણી, ગટર કે રસ્તા જેવી પાયાની સમસ્યા લઈને જનપ્રતિનિધિ પાસે જાય છે ત્યારે તેને જે અનુભવ થાય છે તે અપમાનજનક હોય છે. ગરીબ માણસ પોતાની રોજગારી પાડીને રજૂઆત કરવા જાય, ત્યારે તેને ઓફિસની બહાર કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. છેલ્લે પીએ આવીને કહી દે છે કે “સાહેબ તો ગાંધીનગર ગયા છે” અથવા “સાહેબ સાહેબ અત્યારે અગત્યની મીટીંગ કે કાર્યક્રમમાં છે પછી આવજો.” શું મતદારોએ તમને મીટીંગો કરવા માટે ચૂંટ્યા છે કે તેમના પ્રશ્નો ઉકેલવા?
આજના નેતાઓને જનતાના પરસેવાની ગંધ ગમતી નથી પણ હારતોરાની સુગંધ બહુ ગમે છે. સોશિયલ મીડિયા પર જુઓ તો એમ લાગે કે રામરાજ્ય આવી ગયું છે – રોજ ઉદ્ઘાટનો, સન્માન સમારોહ અને મોટી-મોટી વાતો! પણ જમીની હકીકત એ છે કે ફોટામાં ચમકતા ‘વિકાસ’ પાછળ જનતાની ‘યાતના’ દબાઈ જાય છે. નેતાજી કેમેરા સામે જોઈને હસે છે અને પાછળ ઉભેલી પ્રજા રડે છે.નેતાઓ એ ભ્રમમાં છે કે પ્રજા ડરપોક છે અથવા ભૂલકણી છે. પણ હકીકત એ છે કે અત્યારે લોકોમાં એક છૂપો રોષ ઉકળી રહ્યો છે. જે જનતા તમને પાલખીમાં બેસાડીને સત્તાના મહેલ સુધી પહોંચાડી શકે છે તે જ જનતા સમય આવ્યે તમને ત્યાંથી નીચે ઉતારવાની તાકાત પણ રાખે છે.
આજે ભલે નેતાઓ જનતાનો અવાજ સાંભળવા માટે બારી-બારણાં બંધ રાખે પણ આવનારી ચૂંટણીમાં આ જ અવગણનાનો જવાબ જનતા ઈવીએમ (EVM) દ્વારા આપશે ત્યારે નેતાઓને સમજાય જશે કે લોકશાહીમાં અસલી બોસ સાહેબ નહીં, પણ નાગરિક છે.



