BANASKANTHAGUJARATPALANPUR

જગતજનની અંબાજીના ચરણોમાં સુવર્ણ વર્ષા; માઈભક્તે ૭૨ લાખની કિંમતનું ૫૦૦ ગ્રામ સોનું અર્પણ કર્યું

17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી આજે ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું સાક્ષી બન્યું છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે આજે એક ઉદાર મનના માઈભક્ત દ્વારા માતાજીના ચરણોમાં અંદાજે ૭૨ લાખ રૂપિયાની કિંમતનું
૫૦૦ ગ્રામ સોનાની ૫ લગડી સોનું અર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના વતની એવા આ શ્રદ્ધાળુએ પોતાની ગુપ્ત દાનની પરંપરા જાળવી રાખીને આ ભવ્ય ભેટ માતાજીને સમર્પિત કરી છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે આ સોનાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શનાર્થે આવેલા આ માઈભક્તે પવિત્ર મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે આ સુવર્ણ લગડીઓ ટ્રસ્ટને સુપરત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે દેશ-વિદેશના ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ સોનાનું દાન કરી રહ્યા છે. આજના આ મોટા દાનથી મંદિરના સુવર્ણ ભંડારમાં વધારો થયો છે અને ટ્રસ્ટ દ્વારા આ ભક્તનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે જ ભક્તો આ પ્રકારે ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે. દાનમાં મળેલા આ સોનાનો ઉપયોગ માતાજીના નીજ મંદિર અને શિખરના સુવર્ણ મઢવાના કાર્યમાં તેમજ અન્ય ધાર્મિક પ્રકલ્પોમાં કરવામાં આવશે. સમગ્ર પંથકમાં આ માઈભક્તની ઉદારતા અને ભક્તિની પ્રશંસા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!