
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભરતા…..અરવલ્લીના ખેડૂત મોતિસિંહ વાઘેલાની પ્રેરણાદાયી સફર – રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક માર્ગ અપનાવ્યો.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામના ખેડૂત શ્રી મોતિસિંહ વાઘેલાની પ્રાકૃતિક કૃષિની સફળતા ગાથા એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. જે ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જોતા હતા, તેમના માટે મોતિસિંહભાઈની આ ગાથા નવી આશા અને માર્ગદર્શન આપે છે.
2013થી મોતિસિંહભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે દેશી ગાયોના ગોબર અને મૂત્રના આધારે જીવામૃત, બીજામૃત જેવા કુદરતી ખાતરો અને જંતુનાશકો તૈયાર કરીને ખેતી કરવાનું શરૂ કર્યું. આ પદ્ધતિથી તેઓ સારા પ્રમાણમાં શાકભાજી ઉગાડી રહ્યા છે અને તેનાથી આર્થિક રીતે નોંધપાત્ર ફાયદો મેળવી રહ્યા છે. ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે કારણ કે બાહ્ય રાસાયણિક ઇનપુટ્સની જરૂર નથી પડતી, અને ઉત્પાદનની ગુણવત્તા વધી છે જે બજારમાં સારા ભાવ મળે છે.
પ્રાકૃતિક કૃષિના મુખ્ય ફાયદાઓમાં જમીનની ફળદ્રુપતા વધારવી, પાણીનો બચાવ, પર્યાવરણનું રક્ષણ, ઉત્પાદનમાં વધારો અને આરોગ્યલક્ષી ખોરાકનું ઉત્પાદન થાય છે. અરવલ્લી જિલ્લાના અનેક ખેડૂતો મોટા પ્રમાણમાં આ પદ્ધતિ અપનાવી રહ્યા છે, જેનાથી તેમની આર્થિક, સામાજિક અને આરોગ્યલક્ષી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ પદ્ધતિ જમીનને જીવંત બનાવે છે, જીવસૃષ્ટિને પ્રોત્સાહન આપે છે અને લાંબા ગાળે ટકાઉ ખેતી શક્ય બનાવે છે.
મોતિસિંહભાઈ જણાવે છે કે, “પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી મારું જીવન બદલાઈ ગયું છે. ખર્ચ ઓછો થયો, ઉત્પાદન વધ્યું અને મારા પરિવારનું આરોગ્ય સુધર્યું. ગાય આધારિત ખેતીએ અમને આત્મનિર્ભર બનાવ્યા છે.” આવી અનેક વાતો તેઓ અન્ય ખેડૂતોને પ્રેરણા આપવા માટે શેર કરે છે.આ સફળતામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની અરવલ્લી જિલ્લા એકમની મહત્વની ભૂમિકા છે. બોર્ડ દ્વારા ખેડૂતોને સતત તાલીમ, માર્ગદર્શન, પ્રેરણા પ્રવાસો અને પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમો યોજાય છે. આ બધા દ્વારા ખેડૂતોને બાયો-ઇનપુટ્સ તૈયાર કરવાની સમજ, મિશ્ર પાક પદ્ધતિ અને ગાય આધારિત ખેતીની તકનીકો શીખવવામાં આવે છે. પરિણામે જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થઈ રહ્યું છે તેમજ ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે મોતિસિંહ વાઘેલા જેવા ખેડૂતોની આ સફળતા અરવલ્લી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વિસ્તાર માટે પ્રેરણારૂપ છે. આ પદ્ધતિ અપનાવીને ખેડૂતો માત્ર આર્થિક રીતે મજબૂત નથી બનતા, પરંતુ કુદરત સાથે સંતુલન જાળવીને ટકાઉ વિકાસનો માર્ગ પણ અપનાવે છે. આવી સફળતાઓ વધુને વધુ ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.





