CHHOTA UDAIPUR CITY / TALUKO

નસવાડી તાલુકા ના લિંડા ટેકરા નાની સિંચાઈ યોજના કેનાલ નેટવર્ક નવનિર્માણનું ખાત મુર્હૂત ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે કરાયું, સ્થાનીક ખેડૂતોમાં ખુશી

મુકેશ પરમાર નસવાડી

નસવાડી તાલુકાના લિંડા ગામે આવેલ લિંડા ટેકરા નાની સિંચાઈ યોજના અંતર્ગત કેનાલ નેટવર્કના નવનિર્માણ કાર્યનું ખાત મુર્હૂત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનીક ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ સિંચાઈ યોજના પંચાયત સિંચાઈ પેટા વિભાગ, નસવાડી હેઠળ આવેલી છે. યોજના વર્ષ ૧૯૮૦માં બનાવવામાં આવી હતી. જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા ૧.૫૫ મિલિયન ક્યુબિક મીટર છે અને પાળાની કુલ લંબાઈ ૧૪૮ મીટર છે. જળાશય સંપૂર્ણ સપાટી સુધી ભરાય ત્યારે આશરે ૦.૬૬ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ડૂબાણમાં જાય છે.યોજનામાં કુલ ૨.૮૩ કિ.મી. મેઇન કેનેલ અને ૦.૭૦ કિ.મી. માઈનર કેનેલ મળી કુલ ૩.૫૩ કિ.મી. લંબાઈનું કેનેલ નેટવર્ક આવેલ છે. હાલ કેનેલ નેટવર્ક જર્જરિત હાલતમાં હોવાથી મર્યાદિત વિસ્તારમાં જ સિંચાઈ લાભ મળતો હતો. પરંતુ કેનેલ નેટવર્કના નવનિર્માણ બાદ નસવાડી તાલુકાના લિંડા અને પાયાકોઈ તેમજ તિલકવાડા તાલુકાના ખુશાલપુરા અને હિંમતપુરા ગામના કુલ ચાર ગામોમાં આશરે ૧૪૮૨ હેક્ટર જેટલા ખેતીલાયક વિસ્તારમાં સિંચાઈ લાભ મળશે.આ મહત્વપૂર્ણ યોજનાના કેનાલ નેટવર્ક નવનિર્માણ કાર્ય માટે રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (RIDF) મંજૂરી આપવામાં આવી હતી, જેની કુલ અંદાજીત કિંમત રૂ. ૧,૯૬,૪૧,૯૮૫.૫૫ છે.ખાત મુર્હૂત પ્રસંગે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે અને આ યોજના પૂર્ણ થતાં વિસ્તારમાં ખેતી વિકાસને વેગ મળશે. યોજનાનું ખાત મુર્હૂત થતાં સ્થાનીક ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેમણે સરકાર તથા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Back to top button
error: Content is protected !!