BANASKANTHADEODAR

વહાલી દીકરી યોજના: પોર્ટલ બદલાવાને કારણે અરજી ન કરી શકનાર લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના*

*વહાલી દીકરી યોજના: પોર્ટલ બદલાવાને કારણે અરજી ન કરી શકનાર લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના*

અહેવાલ કલ્પેશ બારોટ

દીકરીઓ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે બનાસકાંઠા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ખાસ ઝુંબેશ

ગુજરાત સરકાર રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં સુધારો કરવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપી સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. આ હેતુને સાર્થક કરવા વર્ષ ૨૦૧૯થી ‘વહાલી દીકરી’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવામાં આવે છે.

 

વહાલી દીકરી યોજનાની અરજીઓ ઓનલાઈન કરવા માટે GIL દ્વારા તૈયાર કરવામાં આવેલ નવું ‘ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ’ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અગાઉ આ યોજનાની કામગીરી ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ મારફતે થતી હતી, જે તા. ૩૦/૦૯/૨૦૨૫થી બંધ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ બદલાવાની પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી ટેક્નિકલ ખામી અથવા બંને પોર્ટલ બંધ હોવાના વચગાળાના સમયમાં જે લાભાર્થીઓ પોતાની અરજી ઓનલાઈન કરી શક્યા નથી, તેઓ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આથી, બનાસકાંઠા જિલ્લાના આવા તમામ લાયક લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, ટેક્નિકલ કારણોસર અરજી ન થઈ શકી હોય તેવા કિસ્સામાં તાત્કાલિક મહિલા અને બાળ અધિકારીની કચેરી, પાલનપુરનો સંપર્ક કરવો. યોજના અંગે વધુ વિગતવાર માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જોરાવર પેલેસ, જિલ્લા સેવા સદન- ૨, બહુમાળી ભવન, ત્રીજો માળ, બ્લોક નં- ૨૬, બનાસકાંઠા અથવા કચેરીના સંપર્ક નંબર ૯૭૨૭૦૮૪૭૮૦ પર સંપર્ક કરી શકાશે તેમ મહિલા અને બાળ અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!