BANASKANTHADEODAR

દિયોદરમાં અતિભારે વરસાદ વચ્ચે યુવા ટીમે મહેકાવી માનવતા: 300થી વધુ અસરગ્રસ્તોને પહોંચાડી રાહત..

  1. દિયોદરમાં અતિભારે વરસાદ વચ્ચે યુવા ટીમે મહેકાવી માનવતા: 300થી વધુ અસરગ્રસ્તોને પહોંચાડી રાહત..

વાવ-થરાદ જિલ્લાના દિયોદર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અતિભારે વરસાદના કારણે દિયોદરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને લોકો વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ આપત્તિના સમયમાં દિયોદરમાં ફરી એક વખત માનવતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.

દિયોદરના સેવાભાવી યુવાન સચિન ભાટી અને રાજુભાઈ માળી સહિત ૧૫થી વધુ સ્થાનિક યુવાનોની ટીમ સ્વયંસ્ફુરિત રીતે લોકોની મદદે દોડી આવી હતી. સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને આ યુવા ટીમે ટ્રેક્ટરોની મદદથી નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

માત્ર સ્થળાંતર જ નહીં, પરંતુ પ્રભાવિત નાગરિકો માટે આશ્રયસ્થાન, આરોગ્ય સુવિધા અને પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. યુવા ટીમે સતત ચાર દિવસ સુધી ૩૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકો માટે સવાર-સાંજ બે ટાઈમ શુદ્ધ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરી હતી. સચિન ભાટી અને રાજુભાઈ માળીએ પોતે રાહત કેમ્પમાં હાજર રહીને લોકોને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું.

મુશ્કેલીના સમયમાં દિવસ-રાત ખડેપગે રહીને રાહત અને બચાવ કામગીરી કરનાર આ યુવા ટીમની ભગીરથ સેવાને સ્થાનિક રહીશો અને તંત્ર દ્વારા ખૂબ બિરદાવવામાં આવી હતી. આપત્તિના સમયે દિયોદરના આ યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે કે ‘સેવા એ જ સાચો ધર્મ છે’ અને સંકટના સમયે જ માનવતા ખરા અર્થમાં મહેકી ઊઠે છે.

Back to top button
error: Content is protected !!