SINORVADODARA

શિનોરમાં ફ્લડ લાઈટ ચોરીના વિવાદને પગલે બે કોમના ટોળા સામસામે આવી જતા તંગદીલીનો માહોલ


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર નગરમાં ગતરાત્રિના ફરાસખાનાની ફ્લડ લાઈટ ચોરીના મામલે બે કોમના લોકો સામસામી આવી જતા વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોતા શિનોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમજાવટ કરીને બંને પક્ષોના ટોળાને વિખેરી કાયદો અને વ્યવસ્થા જાળવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, શિનોર નગરમાં આવેલા એક ફરાસખાનાની ફ્લડ લાઈટ ચોરી થઈ હોવાનો આરોપ હિન્દુ સમાજના એક અગ્રણીના ભાઈ પર મુકવામાં આવ્યો હતો. આ બાબતને લઈને ગેરસમજ અને શંકાના માહોલ વચ્ચે હિન્દુ સમાજના અગ્રણી પ્રકાશ માસ્તર તથા તેમની ધર્મપત્ની ફરાસખાનાના માલિકને સમગ્ર બાબત અંગે વાતચીત અને સમજાવટ માટે મળવા ગયા હતા.
આ દરમિયાન ફરાસખાનાના માલિક ઉશ્કેરાઈ જતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થવા લાગ્યા હતા અને ટૂંક સમયમાં જ બંને કોમના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ બગડતી જોઈ હિન્દુ સમાજના યુવાનો અને મહિલાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે શિનોર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવી શાંત પાડ્યા હતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસે સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી હતી.
આ ઘટનાના પગલે શિનોર નગરમાં સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે કરજણ, વડોદરા અને ડભોઈમાંથી વધારાનો પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો છે. હાલ શિનોર નગરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓ દ્વારા બંને પક્ષોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ફ્લડ લાઈટ ચોરીના આરોપ અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ઘટનાની દરેક પાસાંથી તપાસ કરી સાચી હકીકત બહાર લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
હાલ શિનોર નગરમાં તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે, જોકે પોલીસની કડક નજર અને સાવચેતીના પગલાંને કારણે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!