GUJARATSINORVADODARA

સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષા પટેલને વહીવટી નિષ્કાળજીના સાત આક્ષેપોના આધારે હોદ્દા પરથી દૂર કરાયા

સાધલી ગામે રાજકીય ભૂકંપ સર્જાયો..

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે ગ્રામ પંચાયત સ્તરે મોટો રાજકીય ફેરફાર નોંધાયો છે. સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલને વહીવટી નિષ્કાળજીના ગંભીર સાત આક્ષેપોના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ–1993 ની કલમ 57(1) હેઠળ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી સમગ્ર ગામ તેમજ તાલુકાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાઈ છે.
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે વિગતવાર તપાસ બાદ હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. આ હુકમની તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિત બજવણી કરવામાં આવતા મનીષાબેન પટેલને તરત જ સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ, સરપંચ તરીકે ફરજ બજાવતા સમયે વિકાસ કામોમાં બેદરકારી, નિયમોની અવગણના અને વહીવટી પ્રક્રિયામાં ખામીઓ અંગે ફરિયાદો સામે આવી હતી, જેને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ નિર્ણય બાદ હવે સાધલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાય ત્યાં સુધી ઉપસરપંચ સંકેતભાઈ પટેલને કાર્યકારી સરપંચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પંચાયતના દૈનિક વહીવટ અને વિકાસ સંબંધિત તમામ કામગીરી સંભાળશે.
ઉલ્લેખનીય છે કે હુકમમાં મનીષાબેન પટેલને આ નિર્ણય સામે 30 દિવસની અંદર સત્તાધિકારીઓ સમક્ષ અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેઓ અપીલ કરે છે કે નહીં તે બાબતે પણ સ્થાનિક રાજકારણમાં અટકળો ચાલી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમથી સાધલી ગામની રાજકીય પરિસ્થિતિ ગરમાઈ ગઈ છે. ગ્રામજનો અને રાજકીય આગેવાનો વચ્ચે આ કાર્યવાહી અંગે વિવિધ અભિપ્રાયો સામે આવી રહ્યા છે. કેટલાક લોકો આ નિર્ણયને વહીવટી શુદ્ધતા તરફનું પગલું ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક વર્ગોમાં આ કાર્યવાહી પાછળ રાજકીય કારણો હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
હાલ તો આ નિર્ણયથી સાધલી ગ્રામ પંચાયતનું રાજકારણ કેન્દ્રમાં આવી ગયું છે અને આવનારી પેટા ચૂંટણી પર સૌની નજર ટકી છે.

Back to top button
error: Content is protected !!