KUTCHMUNDRA

કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭: વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું ઐતિહાસિક બજેટ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭: વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું ઐતિહાસિક બજેટ

રતાડીયા,તા.2: ભારતને આર્થિક મહાસત્તા તરફ આગળ વધારનારા કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ ને શ્રી ક.વી.ઓ. જૈન મહાજન (ભુજ) તથા શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ આવકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલું આ બજેટ ‘નવા ભારત’ ના ઉજ્જવળ ભવિષ્યની રૂપરેખા સમાન છે. આ બજેટ આત્મનિર્ભર અર્થવ્યવસ્થાને મજબૂત કરી વિકસિત ભારતના સંકલ્પોને જમીની હકીકતમાં બદલનારૂં સાબિત થશે.
આ બજેટની સર્વગ્રાહી અસરો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે તેમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કિસાનોના ખેતરથી લઈ યુવાઓના સપનાઓ સુધી, અને મહિલાઓના આત્મસન્માનથી લઈ મધ્યમ વર્ગની આકાંક્ષાઓ સુધીના તમામ પાસાઓને આ બજેટ સ્પર્શે છે. શ્રમિકોના પરિશ્રમ અને સાહસિક ઉદ્યોગપતિઓના ઉત્સાહને બળ પૂરું પાડતું આ બજેટ GYAN (ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિ) ના સર્વાંગી વિકાસના મંત્રને ચરિતાર્થ કરે છે.
વિશેષ આનંદ વ્યક્ત કરતા શ્રી જીગરભાઈએ જણાવ્યું હતું કે કચ્છના ઐતિહાસિક વારસા સમાન ધોળાવીરાને ‘વાઈબ્રન્ટ એક્સપિરિયન્શિયલ કલ્ચર સેન્ટર’ બનાવવાની જાહેરાત કચ્છ માટે ગૌરવની બાબત છે. આ નિર્ણયથી પ્રવાસન અને સ્થાનિક રોજગારીને મોટો વેગ મળશે. દેશને પ્રગતિના પંથે લઈ જતું આ વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ તેમણે માનનીય વડાપ્રધાનશ્રી અને નાણામંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!