નિરોણાની એસ.એસ.પી.એ. હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી કરાઈ
ગુરુપૂજન, ગુરુદક્ષિણા, પ્રેરણાદાયી વક્તવ્યોથી વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો ગુરુ પ્રત્યેનો આદરભાવ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા – ૨૯ જુલાઈ : અષાઢ માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે સારસ્વતમ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની રચિત “શાળા મારી તીર્થભૂમિ ને જ્ઞાનગંગાનું ધામ” ગીતની ભાવપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરી સાહેબ તેમજ ગુરુજનોએ મા સરસ્વતી, ભારત માતા અને મહર્ષિ વેદવ્યાસજીનું પૂજન કરી ગુરુપરંપરાને વંદન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનું પૂજન કરી પ્રતિકાત્મક ગુરુદક્ષિણા અર્પણ કરીને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધન કરી ગુરુના જીવનમાં રહેલા અવિસ્મરણીય સ્થાન અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. બી.એડ. તાલીમાર્થી દીપભાઈ ચૌધરીએ ગુરુપૂર્ણિમાના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ અંગે માહિતીપ્રદ વક્તવ્ય રજૂ કર્યું હતું.વિદ્યાર્થીની સંધ્યાબા સોઢા અને વંશી ભાનુશાલીએ ગુરુ મહિમાનું સુંદર વર્ણન કર્યું હતું, જ્યારે હેતલ આહીરે ગુરુની મહત્તા પ્રગટ કરતી સ્વરચિત કાવ્યપંક્તિઓ રજૂ કરી સૌને પ્રેરિત કર્યા હતા.કાર્યક્રમના અંતે શાંતિમંત્ર તેમજ રાષ્ટ્રગાન દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન શિક્ષિકા ભૂમિબેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.








