GUJARATKUTCHMUNDRA

કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા ‘સાથી’ પહેલનો પ્રારંભ: જિલ્લામાં પ્રથમ મોડ્યુલની તાલીમ સંપન્ન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા ‘સાથી’ પહેલનો પ્રારંભ: જિલ્લામાં પ્રથમ મોડ્યુલની તાલીમ સંપન્ન

 

ભુજ,તા.2: કચ્છ જિલ્લાના છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર અને અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉમદા આશય સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમીન અરોરા ના સીધા માર્ગદર્શન હેઠળ ભુજ આરોગ્ય તાલીમ ભવન ખાતે ‘સાથી’ (SATHI – Skill Augmentation and Team Building for Health Improvement) અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર અને આરોગ્ય સુપરવાઈઝર કેડર માટે નક્કી કરવામાં આવેલા કુલ 6 મોડ્યુલ્સ પૈકી પ્રથમ મોડ્યુલની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સબ-સેન્ટર આયુષ્માન આરોગ્ય મંદિર (HSC-AAM) ખાતે કાર્યરત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), સ્ત્રી અને પુરુષ આરોગ્ય કાર્યકર (FHW/MPW) અને આશા બહેનોની ટીમને ક્લિનિકલ ક્ષમતા અને સોફ્ટ સ્કિલ્સમાં સજ્જ કરી યુનિવર્સલ હેલ્થ કવરેજના લક્ષ્યો હાંસલ કરવાનો છે.

આ તાલીમ કાર્યક્રમ દ્વારા જિલ્લાના સુપરવાઈઝરી સ્ટાફને ‘મેન્ટર’ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે જેઓ હવે ગ્રાસરૂટ લેવલની ટીમને માત્ર સૂચનાઓ આપવાને બદલે પ્રાયોગિક માર્ગદર્શન અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પૂરો પાડશે. તાલીમ દરમિયાન ટીમના સભ્યો વચ્ચે સંકલનનો અભાવ દૂર કરવા, જવાબદારીઓની સ્પષ્ટ સમજ કેળવવા અને પરસ્પર ટીમભાવના વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રથમ મોડ્યુલની સફળ પૂર્ણાહુતિ બાદ હવે આ મેન્ટર્સ ફિક્સ દિવસે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી આરોગ્ય સબ-સેન્ટર આયુષ્માન આરોગ્ય મંદિર (HSC-AAM) ટીમને 20થી વધુ આરોગ્ય કાર્યક્રમોની 55 જેટલી ક્લિનિકલ સ્કિલ્સમાં નિપુણ બનાવશે. આ વૈજ્ઞાનિક અભિગમથી ટીમના સભ્યોનું કાર્યભારણ (બર્ન આઉટ) ઘટશે અને સેવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવશે.

ઉચ્ચ અધિકારીશ્રીઓના કુશળ નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ‘સાથી’ પહેલ કચ્છના આરોગ્ય તંત્રમાં માળખાગત પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે. મેડિકલ ઓફિસરો અને સુપરવાઈઝરો દ્વારા આપવામાં આવનારું આ સતત માર્ગદર્શન આરોગ્ય કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે જેના પરિણામે જિલ્લાના નાગરિકોને વધુ સુદ્રઢ, પારદર્શક અને સમયસરની આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે. આમ, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલું આ પગલું કચ્છની જનતાની સુખાકારી અને આરોગ્યલક્ષી પરિણામો સુધારવા માટે એક પાયાનો પથ્થર સાબિત થશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!