ગુજરાત પ્રદેશ NSUI દ્વારા “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત ભરૂચમાં આજે વિરોધ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.



સમીર પટેલ, ભરૂચ
ગુજરાત પ્રદેશ NSUI દ્વારા “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત ભરૂચમાં આજે વિરોધ રેલી યોજાઈ હતી. રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ રેલીને પોલીસે અધવચ્ચેથી અટકાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. આ દરમિયાન NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.રેલી અટકાવતી વખતે પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવતાં કેટલાક NSUI કાર્યકરોના કપડા ફાટ્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા દુષણને દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. રાજ્યના યુવાધનને નશાની લતમાંથી બચાવવા માટે સરકાર કડક પગલાં લે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.આ રેલીમાં ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તેમજ યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.રેલી દરમિયાન ડ્રગ્સ નાબૂદી અંગેના શપથ લેવાયા હતા અને રાજ્યને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.




