છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ગામ પાસે આવેલી સરદાર સુગર ફેક્ટરીમાં ખેડૂતોના બાકી નાણાંનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. છેલ્લા 18 વર્ષથી અંદાજે 1800 જેટલા ખેડૂતોના કુલ 11.97 કરોડ રૂપિયા, એટલે કે લગભગ 12 કરોડ રૂપિયાનાં નાણાં હજુ સુધી ચૂકવાયા નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બંધ પડેલી આ સુગર ફેક્ટરી ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને પોતાના હકના નાણાં વહેલી તકે મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. સાથે જ એક સમયની ધમધમતી લઢોદ સુગર ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
લઢોદ ગામ પાસે આવેલી આ સુગર ફેક્ટરી એક સમયે વિસ્તારમાં રોજગારનું મુખ્ય સાધન હતી. આ ફેક્ટરી પર આધારિત રહીને હજારો ખેડૂતો પોતાની શેરડીનું વેચાણ કરતા હતા તેમજ મજૂરો, ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને પણ રોજગાર મળતો હતો. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ફેક્ટરી બંધ હાલતમાં છે.
ફેક્ટરી બંધ થતાં છોટાઉદેપુર અને વડોદરા સહિતના જિલ્લાઓના અંદાજે 1800 જેટલા ખેડૂતોના શેરડીના નાણાં અટવાઈ ગયા છે. ખેડૂતો દ્વારા મહેનતથી ઉગાડેલી શેરડી ફેક્ટરીમાં આપ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય વળતર મળ્યું નથી, જેના કારણે અનેક ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે.
હાલમાં ખેડૂતો પોતાની બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવાની માંગ કરી રહ્યા છે. આ બાબતે ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફેક્ટરી પર બોજો દાખલ કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે જો સરદાર સુગર ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં રોજગારની તકો વધશે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ મળશે. પરંતુ હાલ ફેક્ટરી જર્જરિત હાલતમાં છે અને સમગ્ર વિસ્તાર તબેલાની જેમ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા જણાવાયું છે કે છેલ્લા 18 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી મુખ્યમંત્રી રહ્યા તે સમયગાળા દરમિયાન અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી થઈ નથી. હવે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકાર આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી બાકી નાણાં ચૂકવાવે તેમજ સરદાર સુગર ફેક્ટરી ફરી શરૂ કરવા માટે યોગ્ય પગલાં ભરે, નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રિપોર્ટર : તોસીફ ખત્રી
«
Prev
1
/
113
Next
»
ગુજરાતના અગત્યના વિડિયો સમાચાર | Vatsalyam Prime Time Episode 33| Breking News | વાત્સલ્યમ્ સમાચાર |