GUJARATKUTCHMUNDRA

આથમણાપુરા શાળામાં જૈનમુનિની દીક્ષા તિથિની પ્રેરણાદાયી ઉજવણી : બાળકોને શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ

શિક્ષણ આપણને સદ્વિચારો આપે છે અને અસત્યથી દૂર રાખે છે : જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

આથમણાપુરા શાળામાં જૈનમુનિની દીક્ષા તિથિની પ્રેરણાદાયી ઉજવણી : બાળકોને શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ

૦૦૦

શિક્ષણ આપણને સદ્વિચારો આપે છે અને અસત્યથી દૂર રાખે છે : જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબ

મુંદરા,તા.3: માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અને કચ્છ કોડાયના જૈનમુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબના સંયમ જીવનના ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આથમણાપુરા પ્રાથમિક શાળામાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે શાળાના બાળકોને પુસ્તકો, શૈક્ષણિક કીટ તેમજ સેવ, બુંદી, બિસ્કિટ અને ચોકલેટ જેવા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ સેવાનો લાભ ગુરુભક્ત પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આશીર્વચન પાઠવતા જૈનમુનિ શ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે “શિક્ષણ એ જીવનનું સૌથી મોટું દાન છે. જ્ઞાન જ માણસને શ્રેષ્ઠ બનાવે છે અને સાચા-ખોટાની ઓળખ આપે છે. અહિંસા, સત્ય અને દયાના પાઠ શિક્ષણ દ્વારા જ આત્મસાત કરી શકાય છે. શિક્ષિત બાળક હંમેશા માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણ મનને શુદ્ધ કરી સંયમમય જીવન જીવવાની પ્રેરણા આપે છે જેથી દરેક બાળકે ખંતપૂર્વક વિદ્યાભ્યાસ કરવો જોઈએ.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અને સાલ ઓઢાડી ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, એન્કરિંગ અને આભાર વિધિ અલ્કેશભાઈ ચાવડાએ કરી હતી જેમણે શાળાની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય પણ આપ્યો હતો. આ અવસરે સરપંચ લાડજી ઠાકોર, ઉપસરપંચ સોમાજી ઠાકોર, માજી સરપંચ કાન્તિજી ઠાકોર સહિત સંજયભાઈ શાહ, શ્રીમતિ મિત્તલબેન શાહ, દેવ શાહ અને પ્રદીપસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય બચુભાઈ જોષી તથા શિક્ષક મનોજભાઈએ પણ હાજરી આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતા પરિવાર અને પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!