
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૨.૨૦૨૬ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૭૩૯ સામે ૮૩૨૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૧૧૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૮૧૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૧૭ સામે ૨૫૭૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૭૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૮૪૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામણે શેરબજારને એફ એન્ડ ઓમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) વધારીને આપેલા આંચકાના વસવસામાં શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. પરંતુ, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ માટે બન્ને દેશો સંમત થયાના અને ટેરિફમાં ઘટાડો પણ કરાતાં આજે શેરોમાં ફંડો, મહારથીઓએ દિવસના અંતે તેજી કરી હતી.
લોકલ ફંડોની સાથે ફોરેન ફંડો પણ શેરોમાં વેચાણ કાપીને ફરી મોટાપાયે ખરીદદાર બની તેજીમાં આવી ગયા હતા. અમેરિકા સાથે ટ્રેડ ડિલ કરવા સંમતિથી ભારતીય આઈટી ઉદ્યોગ માટે પણ રાહત થવાના અને અમરિકામાં ફરી તકો વધવાની અપેક્ષાએ દિવસના અંતે શેરબજારમાં રિકવરી આવી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે શરૂઆતના વેપારમાં કોર્પોરેટ અને આયાતકારો દ્વારા શંકાસ્પદ ડોલર ખરીદી વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો. વધુમાં, ક્રૂડ ઓઇલના વધતા ભાવે રૂપિયાની ભાવનાને નબળી પાડી હતી. જોકે, અમેરિકન ચલણમાં નબળાઈ, સકારાત્મક સ્થાનિક ઇક્વિટી અને નવા વિદેશી ભંડોળના પ્રવાહે રૂપિયામાં વધુ ઘટાડો મર્યાદિત કર્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઈટી અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૭ અને વધનારની સંખ્યા ૨૭૨૬ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૫.૨૨%, ટ્રેન્ટ લિ. ૪.૯૮%, એનટીપીસી લિ. ૨.૪૪%, અદાણી પોર્ટ્સ ૨.૩૬%, પાવર ગ્રીડ કોર્પ. ૨.૧૫%, મારુતિ સુઝુકી ૧.૭૪%, ટાઈટન કંપની ૧.૬૪% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૬% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસીસ લિ. ૭.૧૯%, ટીસીએસ લિ. ૬.૯૫%, એચસીએલ ટેકનોલોજી ૪.૨૨%, ટેક મહિન્દ્રા ૪.૧૨%, એક્સીસ બેન્ક ૧.૨૭%, કોટક બેન્ક ૦.૭૫%, બજાજ ફાઈનાન્સ ૦.૧૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૦૨ લાખ કરોડ વધીને ૪૬૯.૧૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓ વધી અને ૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારત-અમેરિકા વેપાર સોદા પછી ભારતીય શેરબજારની ભાવિ દિશા વધુ સ્થિર અને સકારાત્મક દેખાઈ રહી છે. ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા અને સ્પષ્ટ નીતિગત માળખાને કારણે રોકાણકારોની માનસિકતા મજબૂત બની છે, જે બજારમાં લાંબા ગાળાની મૂડી પ્રવાહ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. ખાસ કરીને નિકાસ આધારિત ક્ષેત્રો જેમ કે આઈટી, ફાર્મા, ઓટોમોબાઈલ પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને સીધો લાભ થવાની સંભાવના છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત બનવાથી કંપનીઓની આવક દૃશ્યમાન રીતે સુધરી શકે છે, જે મધ્યમથી લાંબા ગાળામાં શેરના મૂલ્યાંકનમાં વધારો લાવી શકે છે. પરિણામે, બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ બેઝ મજબૂત રહેવાની શક્યતા છે.
આ સાથે, અમેરિકા અને યુરોપિયન યુનિયન બંને સાથે મજબૂત વેપાર સંબંધો ભારત માટે વૈશ્વિક આર્થિક વિશ્વાસનું પ્રતિબિંબ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધતી ભાગીદારી રૂપિયાને ટેકો આપશે અને લિક્વિડિટી પરિસ્થિતિ સુધારશે, શેરબજાર માટે મહત્વપૂર્ણ ઘટક સાબિત થઈ શકે છે. ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં નવા રોકાણથી કોર્પોરેટ નફાકારકતા વધવાની શક્યતા છે. આમ, ભારતીય શેરબજાર માત્ર ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે નહીં પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે પણ આકર્ષક બની રહ્યું છે, જ્યાં વૈશ્વિક એકીકરણ અને મજબૂત આર્થિક આધાર બજારને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ શકે છે.
Nikhil Bhatt
Business Editor
Investment Point
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



