
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ ઓગસ્ટ : રાજ્ય સરકાર ના “નારી વંદન સપ્તાહ” અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” થીમને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહિલાઓ અને કિશોરીઓના આરોગ્ય અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–સુમરાસર શેખ દ્વારા ઢોરી હાઈસ્કૂલ ખાતે કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા (Menstrual Hygiene) વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. મિતેશ ભંડેરીની દેખરેખ હેઠળ તથા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી (RCHO) ડૉ. દિનેશ પટેલ, ભુજ તાલુકા આરોગ્ય અધિકારી (THO) ડૉ. રવિ બાવરવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–સુમરાસર શેખના મેડિકલ ઓફિસર ડૉ. જીતેન્દ્ર નોરિયાના દિશાનિર્દેશન અને સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાનું મહત્વ, સેનિટરી પેડ્સનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ, સમયસર પેડ્સ બદલવાની આવશ્યકતા, શરીરમાં થતા કુદરતી શારીરિક ફેરફારો, પોષણયુક્ત આહાર, આયર્ન અને ફોલિક એસિડનું મહત્વ તેમજ એનિમિયાથી બચવાના અસરકારક ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત માસિક ધર્મ અંગે સમાજમાં પ્રચલિત ગેરમાન્યતાઓ દૂર કરવા વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજણ આપવામાં આવી હતી અને કિશોરીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.પ્રસંગે MHS કોર્નર દ્વારા માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) પ્રવૃત્તિઓ મારફતે માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે જ કિશોરીઓને સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા એનિમિયા નિવારણ માટે ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવી હતી. FHS શ્રીમતી મંજુબેન દ્વારા કિશોરીઓના ઉત્સાહવર્ધન અને શિક્ષણ પ્રત્યે પ્રેરણા મળે તે હેતુથી પેનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં AH કાઉન્સેલર શ્રી કાનજીભાઈ, FHS શ્રીમતી મંજુબેન, CHO, FHW, MPHW, આશા બહેનો તેમજ ઢોરી હાઈસ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે કિશોરીઓને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, માસિક સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને એનિમિયા મુક્ત, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.





