બોડેલી ના સામાજિક કાર્યકર મુસ્તાક ખત્રીનુ હાર્ટ એટેક થી અકાળે અવસાન થતા ગ્રામજનો હિબકે ચઢ્યા

બોડેલીના ST ડેપો પાસે નવીનગરી સહિત વિસ્તારના તમામ રહીશોની ગમે તે મુશ્કેલી હોય રાત હોય કે દિવસ કાયમ વ્હારે આવતા મુસ્તાકભાઈ મુરાદભાઈ ખત્રી ઉર્ફે મુસાભાઇ નું અકાળે અચાનક મૃત્યુ થતાં સૌ રહીશો ની આંખ ભીજાઈ કોરોના કાળ દરમ્યાન હજારો ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ભોજન વ્યવસ્થા પૂરી પાડી સમાજસેવામાં આગવી ઓળખ બનાવનાર બોડેલીના અગ્રણી સામાજિક કાર્યકર મુસ્તાક ઉર્ફે મુસા મુરાદ ખત્રીનું અચાનક નિધન થતાં સમગ્ર બોડેલી પંથકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. જાણવા મળ્યા મુજબ બોડેલીના અલીપુરા માં આવેલ નવીનગરી વિસ્તારમાં રહેતા મુસાભાઈ ખત્રી સાંજ ના સમયે પોતાના ઘરના ઉપરના રૂમમાં આરામ કરવા ગયા હતા. તેઓને મોડું થતા તેમના ભત્રીજાએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ કોઈ પ્રતિસાદ આપતા ન હતા. આ ઘટનાથી પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક તપાસમાં ઊંઘ દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે મુસા ખત્રી એક સેવાભાવી, નમ્ર અને સમાજપ્રતિ પ્રતિબદ્ધ વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા. તેઓ બોડેલી અલીખેરવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે લોકસમર્થન મેળવી સભ્ય તરીકે ચૂંટાયા હતા. ખાસ વાત એ હતી કે તેમને તમામ સમાજના લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળ્યો હતો. હિન્દૂ સમાજ સહિત તમામ વર્ગોએ તેમને એકતરફી મત આપી જીત અપાવી હતી, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો અને ગરીબ, મજૂર તથા રોજગાર વિહોણા લોકો માટે જીવન ગુજારવું મુશ્કેલ બન્યું હતું, ત્યારે મુસા ખત્રી સમાજસેવામાં આગળ આવ્યા હતા. બોડેલીના S.T ડેપો વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં તેમણે પોતાની ટીમ સાથે મળીને હજારો લોકો માટે મફત ભોજનની વ્યવસ્થા કરી હતી. દિવસ-રાત મહેનત કરીને તેઓ જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડતા હતા. આ સેવાકાર્યમાં હિન્દૂ-મુસ્લિમ અગ્રણીઓ સહિત તમામ સમાજના લોકોએ તેમને સહકાર આપ્યો હતો, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ હતું.મુસા ખત્રી સામાજિક કાર્યકર સાથે ગરીબોના સાચા સહાયક અને માર્ગદર્શક હતા. કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ તરત મદદ માટે આગળ આવતાં હતા. તેમના આ ગુણોના કારણે તેઓ બોડેલી વિસ્તારમાં લોકપ્રિય બની ગયા હતા. તેમના અચાનક નિધનના સમાચાર મળતાં જ સમગ્ર બોડેલી સહિત આસપાસના ગામોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જે તેમની લોકપ્રિયતા અને સમાજમા તેમની પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું.બોડેલીના સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો, દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સૌએ તેમની સેવાભાવના, નિષ્ઠા અને સમાજપ્રેમને યાદ કરીને તેમને સાચા અર્થમાં “જનસેવક” તરીકે બિરદાવ્યા હતા.બોડેલી વિસ્તાર માટે આ એક મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે. એક નિષ્ઠાવાન, સેવાભાવી અને લોકપ્રિય આગેવાનના નિધનથી સમાજમાં ખોટ સર્જાઇ છે, જે સહેલાઈથી પૂરાઈ શકે તેમ નથી.
રિપોર્ટર તોસીફ ખત્રી





