GUJARATSINORVADODARA

શિનોર તાલુકાના મીંઢોળ ગામે ફોર્મ-07માં ગેરરીતિ, 39 ફોર્મ ખોટી રીતે ભરાયા હોવાની ફરિયાદ


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના મીંઢોળ ગામમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ગંભીર ગેરરીતિ સામે આવી છે. સમગ્ર ભારત અને ગુજરાતમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંતર્ગત મૃત્યુ પામેલા અથવા અન્યત્ર સ્થાયી થયેલા મતદારોના નામ દૂર કરવા માટે ફોર્મ નં. 07 ભરવાનું હોય છે, પરંતુ મીંઢોળ ગામમાં સુનિલભાઈ ચંદુભાઈ પટેલને અરજદાર દર્શાવી અન્ય કોઈ અજાણ વ્યક્તિ દ્વારા અંદાજે 39 જેટલા ફોર્મ નં. 07 ભરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ બાબતની જાણ થતાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી પિન્ટુ પટેલ દ્વારા સુનિલ પટેલને સાથે લઈ કરજણ પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પિન્ટુ પટેલે રજૂઆતમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ અરજદાર બની ફોર્મ-07 ભર્યા છે તેની ઓળખ માટે સંબંધિત કચેરીના CCTV ફૂટેજ તપાસવામાં આવે.
તેમજ અરજદાર તરીકે ખોટી રીતે ફોર્મ ભરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાથી મતદાર યાદીની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે.
પ્રાંત અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસના આશ્વાસન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!