દાહોદમાં રાજકીય સભાની મંજૂરીના નામે વિવાદ: ગરબાડાના અભલોડમાં AAPની ‘પરિવર્તન સભા’ને તંત્રનો ઈનકાર

તા.૦૬.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સનાઈ દાહોદ
Dahod:દાહોદમાં રાજકીય સભાની મંજૂરીના નામે વિવાદ: ગરબાડાના અભલોડમાં AAPની ‘પરિવર્તન સભા’ને તંત્રનો ઈનકાર.દાહોદ જિલ્લામાં આવતીકાલે યોજાનારી આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન સભા’ પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગરબાડાના અભલોડ ગામે યોજાનારી આ સભાને વહીવટી તંત્રે મંજૂરી આપવાનો ઈનકાર કરી દેતા હવે મામલો બિચક્યો છે. એક તરફ તંત્ર કાયદો અને વ્યવસ્થાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ AAPના કાર્યકર્તાઓ આને લોકશાહીની હત્યા ગણાવી રહ્યા છે.ઘટના કંઈક એવી છે કે, અભલોડ ગામની ગૌચર જમીનમાં ‘પરિવર્તન સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ હાજર રહેવાના છે. જોકે, ખેલ ત્યારે બગડ્યો જ્યારે ગામના સરપંચે એવો અભિપ્રાય આપ્યો કે આ સભાથી ગામમાં શાંતિ અને સુલેહનો ભંગ થઈ શકે છે. સરપંચના આ નકારાત્મક રિપોર્ટને આધારે પ્રાંત અધિકારીએ સભાની મંજૂરી ફગાવી દીધી છે.તંત્રના આ નિર્ણયથી રોષે ભરાયેલા AAP કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં દાહોદ પ્રાંત કચેરીએ ઉમટી પડ્યા છે. ‘ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર સાથે કાર્યકર્તાઓ કચેરી પરિસરમાં જ ધરણા પર બેસી ગયા છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે કચેરી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.AAPના નેતાઓનું કહેવું છે કે, તંત્ર સત્તાધારી પક્ષના દબાણમાં કામ કરી રહ્યું છે. સભા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંજૂરી મળે કે ન મળે, અમે નિર્ધારિત સમયે અને સ્થળે સભા યોજીને જ રહીશું.”હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર ઝુકશે અને છેલ્લી ઘડીએ મંજૂરી આપશે? કે પછી આવતીકાલે અભલોડ ગામમાં વગર મંજુરીએજ સભા યોજાશે તેવા દ્રશ્યો જોવા મળશે? આ લડાઈ હવે માત્ર સભાની નથી રહી, પણ અસ્તિત્વની બની ગઈ છે.





