
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસ મથકની પોલીસ ટીમને એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ લકઝરી બસ અકસ્માતના સાપરાધ મનુષ્યવધના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સાપુતારા પોલીસે હ્યુમન સોર્સના આધાર પર ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પુજા યાદવ દ્વારા જિલ્લાભરના તમામ પોલીસ સ્ટેશનોને દાખલ થયેલ ગુનાઓના વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને કે.આર. ડિમરી, નાયબ પોલીસ અધિક્ષક, આહવા વિભાગના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાની ટીમે સતત પ્રયાસો હાથ ધર્યા હતા.સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બસ અકસ્માતના સાપરાધ મનુષ્યવધના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી રાજાસિંહ બનમાલી યાદવ (ઉંમર 35 વર્ષ), ધંધો ડ્રાઇવિંગ, રહે. 45/49-1, કોટ બેહડા, તા. ઝાંસી, જી. ઝાંસી, રાજ્ય ઉત્તરપ્રદેશ, છેલ્લા એક વર્ષથી ફરાર હતો.સાપુતારા પોલીસ દ્વારા સતત તપાસ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની માહિતીના આધારે આરોપીની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી. અંતે સાપુતારા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાની કચેરીમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર સફળ કામગીરીમાં સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયા, પી.એસ.આઈ.બી.બી. પટેલની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા સતત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.સાપુતારા પોલીસની આ કામગીરીથી ગુનાખોરી સામે કડક સંદેશો ગયો છે અને ન્યાય પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે..





