
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ જિલ્લાના 47 મહિલા આરોગ્ય કર્મચારીઓની રજૂઆતનો સુખદ અંત : તંત્ર દ્વારા બદલીના આદેશો કરાયા
ભુજ,તા.6: કચ્છ જિલ્લામાં એક માસ પૂર્વે થયેલી 400 જેટલા આરોગ્ય કર્મચારીઓની બદલીના મામલે ઉદ્ભવેલી વિસંગતતાઓનો આખરે સુખદ અંત આવ્યો છે. ખાસ કરીને મહિલા આરોગ્ય કર્મચારીઓને પારિવારિક અને અંગત કારણોસર પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને કરવામાં આવેલી રજૂઆતો બાદ જિલ્લા વહીવટી તંત્રે માનવતાવાદી અભિગમ દાખવી 47 જેટલી મહિલા કર્મચારીઓની માંગણી મુજબ સ્થળ પર બદલી કરી આપી છ.
આ અન્યાય સામે કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયા, મહામંત્રી નિલેશભાઈ મકવાણા અને મુખ્ય કન્વીનર ભરતભાઈ ડોડીયા દ્વારા છેલ્લા એક માસથી સતત ફોલોઅપ અને રજૂઆતો કરવામાં આવી રહી હતી. ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળના સમર્થન સાથે થયેલી આ રજૂઆતોને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ સાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આજે બદલીના હુકમ કર્યા હતા.
આ નિર્ણયને વધાવતા મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયાએ જણાવ્યું હતું કે “તંત્ર અને મંડળ વચ્ચેના સુમેળભર્યા સંબંધોને કારણે આ પ્રશ્નનો ઉકેલ શક્ય બન્યો છે. અમે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હવે જ્યારે કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવી છે ત્યારે કર્મચારીઓએ પણ પોતાનું સો ટકા યોગદાન આપી શ્રેષ્ઠ કામગીરી દ્વારા તંત્રના આ ભલાઈના નિર્ણયનો બદલો વાળવો જોઈએ.”
મંડળ દ્વારા વધુમાં જણાવાયું હતું કે જો તમામ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવશે તો ભવિષ્યમાં આવી વહીવટી બદલીઓની જરૂરિયાત જ ઊભી નહીં થાય. મંડળ અને તંત્ર આગામી સમયમાં પણ કચ્છના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



