ARAVALLIGUJARATMODASA

અરવલ્લી – એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : રખાપુર (ઇસરી )સીમમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : રખાપુર (ઇસરી )સીમમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

 


અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન કાયદા અંતર્ગત ગેરકાયદેસર દારૂ હેરાફેરી સામે એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇસરી પોલીસ સ્ટેશન હદના રખાપુર ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી મારૂતી સ્વિફ્ટ કાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, એલ.સી.બી. પો.ઈન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાની હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર વી.ડી. વાઘેલા, પી.પી. સોલંકી તેમજ ટીમના સ્ટાફ દ્વારા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના અણસોલ ગામની સીમમાં દહેગામડા-જગાબોર રોડ ઉપર પ્રોહી વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે દહેગામડા તરફથી આવતી શંકાસ્પદ સફેદ રંગની મારૂતી સ્વિફ્ટ કાર (નં. GJ-06-KP-9933)ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ ગાડીના ચાલકે પોલીસનો ઇશારો અવગણી યુ-ટર્ન મારી ઝડપી ગતિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમે પીછો કરતા ગાડી રખાપુર ગામની સીમમાં રોડની સાઈડમાં ચોકડીઓમાં ઉતારી દેવામાં આવી હતી. ઘટનાસ્થળેથી ગાડીનો ચાલક પકડાઈ ગયો હતો, જ્યારે તેની સાથેનો બીજો ઇસમ ફરાર થવામાં સફળ રહ્યો હતો.તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર મળી કુલ ૮૪૩ બોટલ/ટીન (૩૩ પેટી) જપ્ત કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨,૫૪,૪૬૦/- હોવાનું જણાવાયું છે. સાથે જ રૂપિયા ૫,૦૦,૦૦૦/- કિંમતની મારૂતી સ્વિફ્ટ કાર સહિત કુલ રૂપિયા ૭,૫૪,૪૬૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પકડાયેલા આરોપીની ઓળખ પ્રવિણકુમાર અમરતલાલ ભગોરા (ઉ.વ.૨૫), રહે. સરેરા, તા. ખેરવાડા, જિ. ઉદેપુર (રાજસ્થાન) તરીકે થઈ છે. જ્યારે સાહિલ પરમાર નામનો અન્ય એક આરોપી ફરાર છે, જેને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને ઇસરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!