
ફૈઝ ખત્રી…શિનોર
કરજણ તાલુકાના મીંઢોળ ગામમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ગંભીર ગેરરીતિ સામે આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ભારત અને ગુજરાતમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંતર્ગત મૃત્યુ પામેલા કે અન્યત્ર સ્થાયી થયેલા મતદારોના નામ દૂર કરવા માટે ફોર્મ નં. 07 ભરવાનું હોય છે, પરંતુ મીંઢોળ ગામમાં સુનિલભાઈ ચંદુભાઈ પટેલને અરજદાર દર્શાવી કોઈ અજાણ વ્યક્તિ દ્વારા અંદાજે 39 જેટલા ફોર્મ નં. 07 ભરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.તેમજ કોંગ્રેસ દ્વારા અન્ય ગામોમાં પણ સર પ્રક્રિયા માં ફોર્મ નં. 07 માં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ બાબતની જાણ થતાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી પિન્ટુ પટેલની આગેવાની હેઠળ શિનોર કોંગ્રેસના કાર્યકરો દ્વારા શિનોર મામલતદાર સમક્ષ લેખિત તેમજ મૌખિક રીતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆત દરમિયાન પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે, ખોટી રીતે અરજદાર બની ફોર્મ નં. 07 ભરનાર વ્યક્તિની ઓળખ માટે સંબંધિત કચેરીના CCTV ફૂટેજ તપાસવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખોટી રીતે ફોર્મ ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. આ સમગ્ર ઘટનાથી મતદાર યાદીની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
શિનોર તાલુકામાં આટલો ઉહાપોહ થયા પછી ચૂંટણી અધિકારી દ્વારા આવો ખોટો એકરાર કરનારા કેટલા સામે પોલીસ કેસ કરવામાં આવ્યો તેની માહિતી જાહેર કરે તે જરૂરી છે. જેના નામથી ખોટા ફોર્મ ભરાયા છે, તે સુનીલ ચંદુભાઈ પટેલ (મીઢોળ)દ્વારા ચૂંટણી અધિકારી કમ પ્રાંત અધિકારીને પણ રૂબરૂમાં રજૂઆત કરવામાં આવેલ છે.પ્રાંત અધિકારી દ્વારા તેમને તપાસ કરવાની હૈયાધારણ આપેલ છે.
ફોર્મ નંબર 7 ભર્યા પછી એકરારનામું કરવાનું આવે છે, જેમાં ખોટુ નિવેદન કે એકરાર કરવો તે લોક પ્રતિનિધિ અધિનિયમ 1950 ની કલમ 31 (1950 નો 43) હેઠળ એક વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની જેલ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર છે.




