વહીવટી તંત્રની ૩ આરોગ્ય ટીમો ધુણા, આશ્રમ, ઉતારા મંડળમાં જઈ આરોગ્ય સેવાઓ આપી હેલ્થ ચેકઅપ કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળા શરૂ થયા પૂર્વે સાધુ સંતો ઉપરાંત ઉતારા મંડળના સંચાલકો અને સ્વયંસેવકોના આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે, આજે વહીવટી તંત્રની ૩ આરોગ્ય ટીમ સાધુ સંતોના ધુણા અને આશ્રમમાં જઈ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં ભોજન સેવા માટે આવતા ઉતારા મંડળો ના સંચાલકો અને સ્વયંસેવકોનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે આરોગ્ય અધિકારી ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીનો મેળો શરૂ થયા પૂર્વે સાધુ સંતો, ઉતારા મંડળના સંચાલકો સ્વયંસેવકો વગેરેની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં બ્લડ પ્રેશર અને સુગર લેવલ એટલે કે ડાયાબિટીસનું પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું, ઉપરાંત આવશ્યકતા મુજબ જરૂરી પ્રાથમિક સારવાર અને દવાઓ પણ આપવામાં આવી હતી. સાથે જ આશ્રમો અખાડામાં અન્ય આરોગ્યલક્ષી કાળજી રાખવા માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, નાકોડા આરોગ્ય કેન્દ્ર ખાતે સાધુ સંતો અને ભાવિકોની આરોગ્ય સેવાઓ માટે આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ છે.
ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મહાશિવરાત્રીના મેળા વિસ્તાર, પાર્કિંગ, ગીરનાર સીડીઓ સહિત જુદી જુદી જગ્યાએ હંગામી દવાખાનાઓ પણ ઊભા કરવામાં આવ્યા છે.