BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’માં બાઈક રેલી:અમિત ચાવડાએ બૂલેટ ચલાવી, મુમતાઝ પટેલ અને તુષાર ચૌધરી ખુલ્લી થારમાં જોડાયા; SIR મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર

સમીર પટેલ, ભરૂચ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વાવ- થરાદથી પ્રારંભ કરાયેલી ‘જન આક્રોશ યાત્રા’ રાજ્યભરમાં ફરી રહી છે ત્યારે આ યાત્રા ગતરોજ સાંજે સુરત જિલ્લાથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. વાલીયા ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા અંકલેશ્વર પહોંચી આજે સવારે ભરૂચ શહેરમાં પ્રવેશી સ્ટેશન સર્કલ ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આવી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉમટેલા જનસમૂહ વચ્ચે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, સ્વ. એહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા, વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, યુવા આગેવાન શેરખાન પઠાણ સહિત રાજ્ય અને કેન્દ્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રેલીનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા અમિત ચાવડાએ ભાજપ સરકાર તથા ભરૂચ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા લોકો વિરોધી નીતિઓ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં જનહિતના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી તેમણે જનઆક્રોશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ શહેર કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા સહિતના આગેવાનો બાઈક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા. આ રેલી પાંચબત્તી, મહોમદપુરા, જંબુસર બાયપાસ માર્ગે દયાદરા તરફ આગળ વધી હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને નાગરિકો દ્વારા ફૂલહાર અને જયઘોષ સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી આગળ વધતા કંથારીયા થઈ ડેરોલ, દયાદરા પોહચી દયાદરા ખાતે સભાનું આયોજન કરાયું હતું. ‘જન આક્રોશ યાત્રા’ને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો

Back to top button
error: Content is protected !!