નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને હડકવા મુક્ત કરવા એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ વેગવંતો કરાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી અને રખડતા શ્વાનોના વ્યવસ્થિત ભારણ ને ઘટાડવા માટે ‘એ.બી.સી’ (એનિમલ બર્થ કંટ્રોલ) વિભાગ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી કબીલપોર ખાતે એ.બી.સી શ્વાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.
શહેરમાંથી મળતી ફરિયાદો અને સર્વેના આધારે શ્વાનોને પકડીને આ સેન્ટર પર લાવવામાં આવે છે. અહીં મુખ્યત્વે ‘સ્ટેરીલાઈઝેશન’ (ખસીકરણ) ની પ્રક્રિયા કરવામાં આવે છે, સ્ટેરીલાઈઝેશન એ એક નાની સર્જરી (ઓપરેશન) છે, જેના દ્વારા શ્વાનોની પ્રજનન ક્ષમતા કાયમી ધોરણે બંધ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી શહેરમાં શ્વાનોની વસ્તી કુદરતી રીતે નિયંત્રણમાં રહે છે અને તેમના આક્રમક સ્વભાવમાં પણ ઘટાડો જોવા મળે છે. આ કામગીરીને અત્યંત પ્રોફેશનલ અને સુરક્ષિત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ૨ અનુભવી વેટેરનરી ડોક્ટર (પશુચિકિત્સક) સહિત કુલ ૮ ઓફિસિયલ્સની નિષ્ણાત ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી શ્વાનોનું રસીકરણ અને ઓપરેશન કરવામાં આવે છે.
ઓપરેશનની સાથે જ દરેક શ્વાનને હડકવા વિરોધી ‘એન્ટીરાબિસ વેક્સિન’ આપવામાં આવે છે, જેથી માનવ સમુદાયમાં હડકવાનો ખતરો ન રહે. ઓપરેશન બાદ શ્વાનોની પૂરતી કાળજી લેવા માટે તેમને પાંચ દિવસ સુધી નિષ્ણાતોના નિરીક્ષણ (ઓબ્ઝર્વેશન) હેઠળ રાખવામાં આવે છે. હાલમાં આ કેન્દ્ર ખાતે શ્વાનોને રાખવા માટે કુલ ૨૩ પીંજરાઓ કાર્યરત છે. પાંચ દિવસના સફળ ઓબ્ઝર્વેશન બાદ શ્વાનને જે-તે વિસ્તારમાં સુરક્ષિત રીતે પરત છોડવામાં આવે છે.
નવસારી મહાનગરપાલિકાનો એ.બી.સી વિભાગ શહેરને હડકવા મુક્ત કરવા અને પશુ-માનવ સંઘર્ષ ઘટાડવા માટે સતત કાર્યશીલ છે. એન.એમ.સી દ્વારા નાગરિકોને આ અભિયાનમાં સહકાર આપવા અને શ્વાન સંબંધિત સમસ્યાઓ માટે મહાનગરપાલિકા હેલ્પલાઇન નંબર (+91 94997 79522 )પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.





