ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આત્મહત્યાનો પ્રયાસ; DYSP રીમાબા ઝાલા પર ગંભીર આક્ષેપો સાથે ખળભળાટ
DYSP રીમાબા ઝાલા પર માનસિક ત્રાસના આક્ષેપો સાથે મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવવા કોશિશ કરી

DYSP રીમાબા ઝાલા પર માનસિક ત્રાસના આક્ષેપો સાથે મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવવા કોશિશ કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા
ભાવનગર : પોલીસ બેડામાં આજે તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે વિવાદિત મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલમાં તેઓ ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ગંભીર આક્ષેપો: નયના બારૈયાએ આ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેઓ ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. તેમણે DYSP રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમને જાણીજોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમની કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર રચાયું છે.
પરિવારના આક્ષેપો: નયના બારૈયાના ભાઈ ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી તેમની બહેનને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેમણે DYSP રીમાબા ઝાલા પર આરોપ લગાવ્યો છે કે તેઓ નયના વિરુદ્ધ ખોટી ફરિયાદો ઊભી કરી રહ્યા છે અને હલકી કક્ષાની ટિપ્પણીઓ તથા વિડિયો દ્વારા તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે.
ન્યાયની માંગ: પરિવારજનોએ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી છે. નયનાના ભાઈએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવતા જણાવ્યું છે કે, DYSP રીમાબા ઝાલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે.
અગાઉના વિવાદ: ઉલ્લેખનીય છે કે, નયના બારૈયા અગાઉ એક આરોપીને આશરો આપવાના કેસમાં જેલ જઈ ચૂક્યા છે અને જેલ દરમિયાન પણ તેમની પાસેથી સિમ કાર્ડ મળી આવતા ગુનો નોંધાયો હતો. જોકે, પરિવારનો દાવો છે કે આ બધું એક મોટા ષડયંત્રનો ભાગ છે .
હાલમાં સમગ્ર ભાવનગર પોલીસ તંત્રમાં આ મામલે ભારે ચર્ચાઓ જાગી છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી શકે છે



