વાગરા: રહાડ-વછનાદ માર્ગ પરથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકની લાશ મળી, નિર્મમ હત્યાથી અરેરાટી

સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા નિશાન ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાગરાના રહાડ ગામથી વછનાદ તરફ જતા નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને આ નિર્મમ હત્યાને પગલે પંથકમાં ભયનું લખલખું પસાર થઈ ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની હાલત જોતા આ એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. હત્યારાઓએ અત્યંત નિર્દયતા દાખવી યુવકના હાથ-પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ ગળે ટૂંપો દઈ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અથવા લાશને અવાવરું જગ્યાએ ફેંકી દેવાના ઈરાદે હત્યારાઓએ આ માર્ગ પસંદ કર્યો હોવાની શક્યતા છે.
યુવકની લાશ જે હાલતમાં મળી આવી છે. તે જોતા હત્યારાઓમાં કાયદાનો કોઈ ખૌફ ન હોય તેમ જણાય છે. ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. આ યુવક કોણ છે? તેની હત્યા પાછળનું કારણ શું છે? અને આ જઘન્ય અપરાધમાં કોનો હાથ છે? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ આજુબાજુના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી મૃતકની ઓળખ વિધિ હાથ ધરી છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડના ભેદ ઉકેલવા પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે.



