ANANDGUJARATUMRETH

આણંદના ઉમરેઠમાં વરઘોડામાં આતશબાજી બની આફત: ફટાકડાથી ૩ મહિલા અને ૧ બાળક ઈજાગ્રસ્ત

તસ્વીર: કુંજન પાટણવાડીયા

આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડા દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ખુશીનો માહોલ ત્યારે ચિંતામાં ફેરવાઈ ગયો જ્યારે આતશબાજીને કારણે નિર્દોષ નાગરિકો ભોગ બન્યા હતા. આ ઘટના ઉમરેઠના પીપળી માતા વિસ્તાર પાસે બની હતી.
જ્યારે વરઘોડો પસાર થઈ રહ્યો હતો ત્યારે ઉત્સાહમાં આવીને મોટા પાયે ફટાકડા (દારૂખાનું) ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક અકસ્માત સર્જાતા, વરઘોડો જોવા માટે રસ્તા પર ઉભેલી ૩ મહિલાઓ અને ૧ માસૂમ બાળક તેની ઝપેટમાં આવી ગયા હતા. આતશબાજીના કારણે ભોગ બનનાર મહિલાઓ અને બાળકને મોઢા તેમજ હાથના ભાગે દાઝી જવાથી ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉમરેઠ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સૌપ્રથમ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમાય તે રીતે બેદરકારી દાખવવા બદલ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને ફટાકડા ફોડનાર તથા જવાબદાર વ્યક્તિઓ સામે કડક તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!