હાલોલ નગરપાલિકા દ્વારા બે દુકાનો સીલ કરાઈ,વેરો ન ભરતા કાર્યવાહી હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૨.૨૦૨૬
હાલોલ નગરપાલિકા દ્વારા નગર માં આવેલ દુકાનદારોને પાલિકાના બાકી વેરા પેટે લેખિતમાં નોટિસો વારંવાર આપવા છતાં વેરો ન ભરતા તેવા વેરા બાકીદારો સામે શુક્રવારના ના રોજ લાલ આંખ કરી બે દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી.જેને લઇ તેની આસપાસના વિસ્તારમાં આવેલી દુકાનદારો માં ફફડાટ વ્યાપી જતા વેરા બાકી દુકાનદારો તાત્કાલિક ધોરણે બાકી વેરાની રકમ સ્થળ પર ભરપાઈ કરતા નગરપાલિકાને અંદાજિત ૪.૭૫ લાખ રૂપિયા બાકી વેરા પેટે વસૂલવામાં આવ્યા હતા.જોકે પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કામગીરી સતત ચલાવવામાં આવનાર હોવાનું જણાવાઈ રહ્યું છે.હાલોલ નગરપાલિકા દ્વારા તાજોતરમાં વેરા વસુલાત ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસ દરમિયાન પાલિકા દ્વારા વેરા વસુલાતને લઈને કડક હાથે કામગીરી હાથ ધરાતા બાકી વેરાદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જ્યારે શૂર્કવારે પાલિકા તંત્ર દ્વારા ટીમ સાથે બાકી વેરાદારો પાસે પહોંચતા તેઓ દ્વારા વેરો ભરપાઈ ન કરતા બે દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. આ કામગીરીના પગલે અન્ય દુકાનદારોએ પણ તાબડતોબ બાકી વેરા ભરપાઈ કરવાની શરૂઆત કરી હોવાનું પાલિકાના સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે. જોકે આવનારા દિવસોમાં હાલોલ નગર ખાતેના રહેણાંક વિસ્તારોમાં પણ પાલીકા ના બાકી વેરા વાળા મિલકત ધારકો સામે પણ પાલિકા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને તેમાં પણ જે બાકી વેરાદારો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો આવા મિલકત ધારકોના મકાનોના નળ કનેક્શન કાપવામાં આવનાર હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાય રહ્યું છે.









