
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ધ્રબની સરકારી હાઈસ્કૂલ ખાતે રક્તપિત્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો: અંધશ્રદ્ધા છોડી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા તબીબોની અપીલ
રતાડીયા:
મુંદરા તાલુકાના ધ્રબ ગામની સરકારી હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવાના હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. મેહુલ બલદાણીયા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હસનઅલી આગરિયાએ રક્તપિત્ત અંગેની ગેરમાન્યતાઓ દૂર કરતા જણાવ્યું હતું કે આ રોગ કોઈ શ્રાપ કે પાપ નથી, પરંતુ એક સામાન્ય ચેપી બીમારી છે જે દવાથી સંપૂર્ણ મટી શકે છે. આ રોગ વારસાગત નથી અને તે હાથ મિલાવવા કે સાથે બેસવા જેવા સામાન્ય સ્પર્શથી ફેલાતો નથી પરંતુ લાંબા સમય સુધી ચેપી વ્યક્તિના સંપર્કમાં રહેવાથી શ્વાસ કે છીંકના ટીપાં દ્વારા ફેલાઈ શકે છે. તમામ સરકારી હોસ્પિટલોમાં રક્તપિત્તની દવા મફત ઉપલબ્ધ છે અને જો શરૂઆતના તબક્કે નિદાન થાય તો શારીરિક વિકૃતિ વગર દર્દી સાજો થઈ શકે છે. ખાસ કરીને મુંદરા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતિય કામદારોના આગમન સાથે આ રોગના કેસો જોવા મળી રહ્યા હોવાથી તકેદારી રાખવી અનિવાર્ય છે. આરોગ્ય કાર્યકર પ્રકાશ ગોહિલે જણાવ્યું હતું કે જો શરીર પર કોઈ એવું ચાઠું હોય જેમાં સંવેદનાનો અભાવ જણાય તો તુરંત ધ્રબ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન એડોલેસન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલાએ કર્યું હતું જ્યારે શાળાના આચાર્ય રિયાઝભાઈ શેખ અને સ્ટાફે સમગ્ર આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




