
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગુજરાતના પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા ધોરણ 1 થી 5 માં 10,000 વિદ્યાસહાયકોની તાત્કાલિક ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મુંદરા-કચ્છ:
રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક સવિસ્તાર આવેદનપત્ર પાઠવીને ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા અને નવી ટેટ-1 પરીક્ષાનું આયોજન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલમાં ધોરણ 1 થી 5 માં આશરે 15,000 જેટલા શિક્ષકોની અછત વર્તાઈ રહી છે જે શિક્ષણના પાયાને નબળો પાડી રહી છે.
આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત વર્ષે ટેટ-1 ની પરીક્ષા ખૂબ જ પારદર્શક અને ઝડપી રીતે લેવામાં આવી હતી જેમાં 11,000 થી વધુ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જોકે પરીક્ષા પાસ કર્યાના લાંબા સમય બાદ પણ વિદ્યાસહાયકની ભરતી અંગે કોઈ જાહેરાત ન આવતા લાયક ઉમેદવારો અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જે પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની આટલી મોટી ખાધ રાજ્યના ભાવિ પેઢીના ઘડતર માટે ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે છે.
તિતિક્ષાબેન ઠક્કરે રજૂઆત કરતા જણાવ્યું છે કે આગામી સમયમાં વસ્તી ગણતરી અને મતદાર યાદી સુધારણા જેવી સરકારી કામગીરીઓમાં પ્રાથમિક શિક્ષકોની મોટી ભૂમિકા હોય છે. જો અત્યારે નવી ભરતી કરવામાં આવે તો નવા અને ઉત્સાહી યુવાનો આ કામગીરીમાં વેકેશન દરમિયાન તાલીમ મેળવીને જોડાઈ શકે છે જેનાથી નિવૃત્તિને આરે આવેલા વરિષ્ઠ શિક્ષકો પરનું ભારણ ઘટશે. સાથોસાથ કેરળ જેવા રાજ્યોના શિક્ષણ મોડેલનો ઉલ્લેખ કરી ગુજરાતમાં પણ શિક્ષણ સ્તર વધુ ઉંચુ લાવવા ભાર મૂકવામાં આવ્યો છે.
છેલ્લે આવેદનપત્રમાં ખાસ ભાર મૂકતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ‘કન્યા કેળવણી’ અને ‘ગુણોત્સવ’ જેવા અભિયાનો દ્વારા ગુજરાતના શિક્ષણ જગતને એક નવી ઊંચાઈ આપી છે. વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે ગુજરાતનું શિક્ષણ મોડેલ સમગ્ર દેશ માટે પથદર્શક બને. વર્તમાન સરકાર જો 10,000 વિદ્યાસહાયકોની તાત્કાલિક ભરતીનો સંવેદનશીલ નિર્ણય લેશે તો તેનાથી વડાપ્રધાનશ્રીના આ વિઝનને માત્ર બળ જ નહીં મળે પરંતુ શિક્ષિત યુવાધનમાં સરકાર પ્રત્યેનો અતૂટ વિશ્વાસ પણ દ્રઢ થશે. આ પ્રકારનો ત્વરિત અને સકારાત્મક નિર્ણય રાજ્ય સરકારની ‘યુવા અને શિક્ષણ પ્રેમી’ છબીને જનમાનસમાં વધુ ઉજ્જવળ બનાવશે અને લાખો પરિવારોમાં ખુશીની લહેર લાવી દેશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




