
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના પોમાપાળ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે 15મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2020–21 દરમિયાન આર.ઓ. વોટર પ્લાન્ટનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. સત્તાવાર રેકોર્ડ મુજબ આ કામ વર્ષ 2022–23માં પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે અને અંદાજે ₹1 લાખ જેટલી ગ્રાન્ટ પણ મંજૂર થઈ ચૂકવાઈ હોવાનું જાણવા મળે છે.પરંતુ સ્થળ પર હકીકતમાં કોઈ આર.ઓ. વોટર પ્લાન્ટ અસ્તિત્વમાં જોવા મળતો નથી. આ પરિસ્થિતિને લઈ ગામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અગાઉ પણ આ મુદ્દે પેપર જાહેરાત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ તપાસ હાથ ધરાઈ નથી.
સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે –
શું કામ માત્ર કાગળ પર જ પૂર્ણ બતાવવામાં આવ્યું છે?
શું જાહેર નાણાંનો દુરુપયોગ થયો છે?
જવાબદાર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી?ગામજનોની માંગ છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે, કામની વાસ્તવિક સ્થિતિ જાહેર કરવામાં આવે અને જો ગેરરીતિ બહાર આવે તો જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે. જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળવાનો હક પ્રાપ્ત થાય તે માટે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે



