
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદ્રામાં નશાના કાળા કારોબાર સામે ‘આપ’ના તેવર : ૨૫થી વધુ અડ્ડાઓની યાદી સાથે તંત્રને અલ્ટીમેટમ, ૧૫ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ‘જનતા રેડ’ની ચીમકી
મુંદ્રા, કચ્છ:
ઔદ્યોગિક હબ તરીકે વિકસેલા મુંદ્રા અને સમગ્ર તાલુકામાં અત્યારે નશાનો કાળો કારોબાર ફૂલ્યો-ફાલ્યો છે. મુંદ્રાના યુવાધનને બરબાદ કરી રહેલા દારૂ અને ગાંજાના વેચાણ સામે આજે આમ આદમી પાર્ટી (AAP) મુંદ્રા શહેર અને તાલુકા ટીમ તથા સામાજિક કાર્યકરો દ્વારા પોલીસ તંત્રને એક જડબાતોડ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં માત્ર રજૂઆત જ નહીં પરંતુ ૨૦ થી ૨૫ જેટલા ચોક્કસ લોકેશનની યાદી પણ સોંપવામાં આવી છે જ્યાં સરેઆમ નશાનું વેચાણ થઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મુંદ્રા સીટી અને મરીન પોલીસની હદમાં આવતા વિસ્તારો જેવા કે અદાણી પાવર પ્લાન્ટ પાસે, નવીનાર, શિરાયા, કાંડાગરા, ભૂખી નદીના પટમાં, બારોઈ ગેટ, પ્રાગપર ચોકડી અને જૂના બંદર રોડ પર આવેલા અનેક ઢાબા અને રહેણાંક વિસ્તારોમાં દારૂ-ગાંજાનું વેચાણ ધમધમી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા પાયે ચાલતા અડ્ડાઓ પોલીસને દેખાતા નથી? શું તંત્રની મિલીભગતથી જ આ ‘ગોરખધંધા’ ચાલી રહ્યા છે? તેવો વેધક સવાલ જનતામાં ઉઠી રહ્યો છે.
*ગૃહમંત્રી હર્ષ સંઘવીને સીધો પડકાર*
ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર સ્ટેજ પરથી ગર્જના કરે છે કે, “તમે અમને ઠેકાણું આપો અમે ૨૪ કલાકમાં પગલાં ભરીશું.” હવે જ્યારે આમ આદમી પાર્ટીએ લેખિતમાં નામ-જોગ અને સરનામા સાથે અડ્ડાઓની વિગત આપી દીધી છે ત્યારે જોવાનું એ રહ્યું કે ગૃહમંત્રીનું તંત્ર કેટલા કલાકોમાં અહીં ત્રાટકે છે? કે પછી આ માત્ર કાગળ પરના જ વાયદા સાબિત થશે?
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે આમ આદમી પાર્ટી મેદાને પડી છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે વિપક્ષો એકજૂથ ન હોવાને કારણે તંત્ર આ રજૂઆતોને હળવાશથી લઈ રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના હિત માટે કોઈ પણ હદે જશે.
આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી ૧૫ દિવસમાં આ લિસ્ટ મુજબના અડ્ડાઓ બંધ કરાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીની ટીમ સામાજિક કાર્યકરો સાથે મળીને ‘જનતા રેડ’ પાડશે. આ દરમિયાન જો કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસશે તો તેની સંપૂર્ણ જવાબદારી મુંદ્રા પોલીસ અને વહીવટી તંત્રની રહેશે. આ લડતમાં સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ, અસગર અલી ખાન અને અનેક આપ કાર્યકરો જોડાયા હતા.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




