MORBI:મોરબી: ₹10-20ના બંડલોની લાલચ આપી વેપારી સાથે ₹2.50 લાખની ઠગાઈ, પોલીસ ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબી: ₹10-20ના બંડલોની લાલચ આપી વેપારી સાથે ₹2.50 લાખની ઠગાઈ, પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી શહેરમાં વેપારીઓને ટાર્ગેટ બનાવી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. મોરબીના એક વેપારીને ₹10 અને ₹20 ના દરની ચલણી નોટોના બંડલો આપવાની લાલચ આપી, વિશ્વાસમાં લઈ ₹2.50 લાખનું આંગળિયું કરાવી ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ગુંડલા રોડ પર આવેલી જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઇ રતિલાલભાઈ દેત્રોજા (ઉ.વ. 42) ને આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફરે પોતાની જાળમાં ફસાવ્યા હતા.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી: આરોપીએ પોતાનું ખોટું નામ ધારણ કરી ફરિયાદી અને તેમના સાથીઓનો સંપર્ક કર્યો હતો.
લાલચ: બજારમાં છૂટા પૈસાની અછતનો લાભ ઉઠાવી આરોપીએ ₹10 અને ₹20 ના નવા બંડલો આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી જઈને વેપારીએ આર. આર. આંગડીયા પેઢી મારફતે ₹2,50,000 નું આંગળિયું આરોપીએ જણાવેલા ખોટા નામે મોકલી આપ્યું હતું.
પૈસા મળી ગયા બાદ આરોપીએ નોટોના બંડલો ન આપી છેતરપિંડી આચરી હોવાનું જણાતા, ચેતનભાઇએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.










