
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

31મી ઓગસ્ટે આહવામાં વિશાળ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર — દોષિતોને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ
ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ગારખડી-ઝરી ગામ નજીક આવેલા પૌરાણિક અને ધાર્મિક આસ્થાના કેન્દ્ર સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત થયાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. અજાણ્યા શખ્સો દ્વારા મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓ અને હિન્દુ સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
મૂર્તિ ખંડિત થયાની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં સીતાવન ખાતે ઉમટી પડ્યા હતા. ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનાર તત્વો સામે તાત્કાલિક અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
ધારાસભ્ય સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ દોષિતોને વહેલી તકે શોધી કાઢવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી ફોરેન્સિક અને ટેકનિકલ ટીમોની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીતાવન તથા આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
31મી ઓગસ્ટે આહવામાં શક્તિપ્રદર્શન
દરમિયાન, આ ઘટનાના વિરોધમાં આજે ગારખડી ખાતે હિન્દુ સંગઠનોના આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં 31મી ઓગસ્ટના રોજ આહવા ખાતે વિશાળ રેલી યોજી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
સીતાવનની ઘટના બાદ ડાંગમાં હવે 31મી ઓગસ્ટની રેલી પર સૌની નજર મંડાઈ છે. તંત્ર અને પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા માટે શું પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે.



