MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ મુખ્ય બ્રિજોનું નવસર્જન: રંગરોગન અને સુશોભન કામગીરી પૂર્ણ

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ મુખ્ય બ્રિજોનું નવસર્જન: રંગરોગન અને સુશોભન કામગીરી પૂર્ણ
મોરબી: શહેરના સૌંદર્યમાં વધારો કરવા અને નાગરિકોને સ્વચ્છ તેમજ સુવ્યવસ્થિત શહેરી પર્યાવરણ પૂરું પાડવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ બ્યુટિફિકેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત શહેરના પ્રવેશદ્વાર સમાન ત્રણ મહત્વના બ્રિજોના રંગરોગન અને સુશોભનનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા શનાળા બ્રીજ, માળિયા ફાટક પાસેનો બ્રીજ અને ત્રાજપર ચોકડી ખાતેના બ્રીજ પર આકર્ષક કલર કોમ્બિનેશન સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પેન્ટિંગ કામગીરી કરવામાં આવી છે. આ નવનિર્મિત દેખાવને કારણે શહેરમાં પ્રવેશતા મુલાકાતીઓને આધુનિક અને સ્વચ્છ મોરબીનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે.
મોરબી મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, આ પહેલ શહેરના સર્વાંગી વિકાસ અને જાહેર માળખાકીય સુવિધાઓના સંવર્ધન માટેના દૃઢ સંકલ્પનો એક ભાગ છે. આગામી સમયમાં શહેરના અન્ય જાહેર સ્થળોને પણ આ જ રીતે સુશોભિત કરવામાં આવશે.
તંત્ર દ્વારા શહેરના નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, તેઓ શહેરની સુંદરતા અને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને અને જાહેર સંપત્તિનું રક્ષણ કરી પોતાની નાગરિક ફરજ નિભાવે.











